દારૂ લઇ ​​​​​​​આવતી એમ્બ્યુલન્સ:સદ્દભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં થતી’તી દારૂની હેરાફેરી, મુદ્દામાલ કબજે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 59 બોટલ સાથે ચાલક અને દારૂ મગાવનાર સહિત 3ની ધરપકડ, સોખડા ચોકડીએ પકડી લીધી

દર્દીઓના પરિવહનને બદલે ગુનાહિત પ્રવૃત્તિઓમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. ચોટીલા તરફથી આવી રહેલી એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટ લઇ જવાનો હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી મળી હતી.

જે માહિતીના આધારે પોલીસે સોખડા ચોકડીએ વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી સદ્દભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સ પસાર થતા તેને અટકાવી હતી. તપાસ કરતા એમ્બ્યુલન્સમાં એક માત્ર ચાલક જ જોવા મળ્યો હતો. તેની પૂછપરછ કરતા તે રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતો વિજય ટાભા વાઘેલા હોવાનું જણાવ્યું હતું.

બાદમાં એમ્બ્યુલન્સની તલાશી લેતા અંદર રહેલી સ્ટ્રેચરની નીચેથી વિદેશી દારૂની 59 બોટલ મળી આવી હતી. ચાલકની પૂછપરછ કરતા દારૂનો જથ્થો રૈયાધાર, ઇન્દિરાનગરમાં રહેતા સુરેશ જગા જીતિયા અને નરેશ ઉર્ફે નટુ ગણેશ જીતિયાએ મગાવ્યો હોવાનું અને વિદેશી દારૂનો જથ્થો મુળી તાબેના ગઢાદ ગામની સીમમાંથી ચાંપરાજ કાઠી નામના શખ્સ પાસેથી લઇને રાજકોટ લઇ જતો હોવાની કેફિયત આપી હતી.

પોલીસે દારૂ, એમ્બ્યુલન્સ મળી રૂ.3.29 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક, દારૂ મગાવનાર અને મોકલનાર એમ ચાર સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ બાદ પોલીસે દારૂ મગાવનાર ઇન્દિરાનગરના સુરેશ અને નરેશ ઉર્ફે નટુને ઝડપી લઇ ત્રણની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...