કાર્યવાહી:રાજકોટમાં સ્પામાંથી દારૂ મળ્યો, સંચાલક અને મેનેજરની ધરપકડ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પામાં બઘડાટી થતાં ત્રણ યુવતી અને બે યુવકને ઇજા થઇ હતી
  • બંનેએ અકસ્માતે બોટલ લાગ્યાનું કહ્યું અને પોલીસે માની લીધું!!

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યૂડે સ્પામાં કામ કરતી મિઝોરમની ત્રણ યુવતી અને એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં શુક્રવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારબાદ સ્પાનો મેનેજર પણ ઘવાયેલી હાલતમાં હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે શનિવારે સ્પામાં દરોડો પાડતા એક બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે સ્પા સંચાલક અને મેનેજરની ધરપકડ કરી હતી.

જલારામ-2માં આવેલા ન્યૂડે સ્પામાં કામ કરતો અનિરૂદ્ધ સંગાર, મિઝોરમની મેના અદરાઇ, પરમોપા અદરાઇ અને કવીલા લુશી શુક્રવારે રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે પહોંચ્યા હતા, સ્પામાં ઇમરાન સહિતના શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો અને ઉપરોક્ત ચાર પૈકીની કવીલા લુશી નશાખોર હાલતમાં મળી આવતા પોલીસે તેની સામે નશો કરવાનો ગુનો નોંધ્યો હતો.

મોડીરાત્રીના વિદ્યાનગર મેઇન રોડ પરના રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતો સ્પાનો મેનેજર વિજય ઉજરસીંગ વિશ્વકર્મા (ઉ.વ.20) પણ હાથમાં ગંભીર રીતે ઘવાયેલી સ્થિતિમાં દાખલ થયો હતો તેણે પણ સ્પાના કર્મચારીઓએ કાચની બોટલથી હુમલો કર્યાનું જે તે વખતે કહ્યું હતું. એક તબક્કે તો સ્પાની એક યુવતી પર સ્પાના મેનેજરે દુષ્કર્મ આચર્યાનો પણ આક્ષેપ થયો હતો અને ગાંધીગ્રામ પોલીસ દોડતી થઇ ગઇ હતી, જોકે બાદમાં યુવતીએ નશાખોર હાલતમાં બફાટ કર્યાનું પોલીસે જાહેર કર્યું હતું.

શનિવારે ગાંધીગ્રામ પોલીસ સ્પામાં ખાબકી હતી અને સ્પાના રૂમમાં છુપાવેલી એક બોટલ દારૂ શોધી કાઢ્યો હતો. પોલીસે સ્પાના સંચાલક મોરબીના રણછોડનગરમાં રહેતા કાદર નિયમત સિપાહી અને મેનેજર વિજય વિશ્વકર્મા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. જોકે મારામારીના મામલામાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી.

મેનેજર વિજય વિશ્વકર્મા અને હાઉસકીપિંગનું કામ કરતાં અનિરૂદ્ધ સંગારને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી બંનેએ જેતે સમયે હુમલો થયાનું કહ્યું હતું, પરંતુ બાદમાં સમાધાન થઇ જતાં કાચની બોટલ અકસ્માતે લાગ્યાનું ફેરવી તોળ્યું હતું અને પોલીસે પણ આ મામલે બંનેની વાત સ્વીકારી લઇ એ મુદ્દે કોઇ કાર્યવાહી કરી નહોતી.

અન્ય સમાચારો પણ છે...