શહેરના હનુમાન મઢી, છોટુનગર વિસ્તારમાં યુવાનને બે શખ્સે માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. રંગઉપવન સોસાયટી-3માં રહેતા અને તે જ વિસ્તારમાં પાણીનો વેપાર કરતા ભરત સામંતભાઇ ગાણોલિયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, આ વિસ્તારમાં રહેતો સોહિલ નામનો શખ્સ અવારનવાર દારૂ પીને જોરજોરથી ગાળો બોલતો હોય મહિલાઓને નીકળવું મુશ્કેલ થઇ જતું હતું.
જેથી પોતે સોહિલની પત્નીને સમજાવવા જતા દારૂના નશામાં રહેલા સોહિલ અને તેના ભાઇ ઇરફાને ઝઘડો કરી પાઇપથી હુમલો કરી માથામાં, હાથમાં તેમજ શરીરના અન્ય ભાગોએ ઇજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને પોતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રાત પડતાની સાથે જ અસામાજિક તત્ત્વો બેરોકટોક દારૂ, જુગારની પ્રવૃત્તિઓ કરતા હોવાનો ઇજાગ્રસ્ત ભરતે આક્ષેપ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં ગોંડલ એસ.ટી.ડેપોમાં ચાલક તરીકે ફરજ બજાવતા માંડણકુંડલા ગામના પ્રવીણભાઇ ભલાભાઇ કોચરા નામના યુવાને ટેન્કરચાલક સામે ફરજમાં રુકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તે ગોંડલ-ઉદયપુર રૂટની બસ લઇ શુક્રવારે પરત ગોંડલ આવવા નીકળ્યા હતા. ત્યારે બામણબોર પાસે ટેન્કરને ઓવરટેક કરતા ટેન્કર ચાલકે સ્પીડમાં ચલાવી બસ આગળ લઇ જઇ ઊભી રાખી દીધી હતી અને ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા તે પાઇપ લઇ આવી પોતાના પર હુમલો કર્યો હતો. પેસેન્જર અને કંડક્ટર દોડી આવી પોતાને બચાવ્યો હતો. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.