આજીએ કર્યા રાજી:રાજકોટમાં અવિરત મેઘવર્ષાથી આજી-1 ડેમ 17મી વખત ઓવરફ્લો, જીવાદોરી સમાન ડેમમાં નવા નીરની આવકથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો

રાજકોટએક મહિનો પહેલા
ડેમમાંથી 12 કરોડ લિટર દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે
  • 63 વર્ષમાં 17મી વાર આજી ડેમ છલકાયો છે
  • નીચાણવાળાં વિસ્તારોને એલર્ટ મોડ પર રખાયા
  • ગત વર્ષે પણ આજી ડેમ ઓવરફ્લો થયો હતો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જો કે થોડા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ રાજકોટમાં 18 લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-1 ડેમ આજે ઓવરફ્લો થયો છે. સતત બીજા વર્ષે આજી ડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. કારણ કે રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. રાજકોટની જનતા ઘણા સમય સુધી પાણીનો જથ્થો વાપરી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. મહત્વનું છે કે રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા પ્રાણ પ્રશ્ન રહ્યો છે.

લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે
લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે

ગત વર્ષે પણ આજી ડેમ ઓવરફ્લો થયો હતો
63 વર્ષ(1958થી 2021) 17મી વાર આજી ડેમ છલકાયો છે. આ ડેમનું લોકાર્પણ 1957માં કરવામાં આવ્યું હતું. જે બાદ આજે 17મી વાર ઓવરફ્લો થયો હતો. આજી ડેમમાંથી 12 કરોડ લિટર દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે. આજી ડેમની કુલ જળ સપાટી 944 MCFT છે. મહત્વનું છે કે ગત વર્ષે પણ આજી ડેમ ઓવરફ્લો થયો હતો.

ડેમમાંથી 12 કરોડ લિટર દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે
ડેમમાંથી 12 કરોડ લિટર દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે

જળાશયોમાં છલોછલ થતા પાણી છોડવામાં આવ્યું
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ડેમ 100 ટકા છલોછલ થઈ જતા તેને તૂટતા બચાવવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે આજી-4 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. રાજકોટમાં 7 મોટા ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જૂનાગઢના વંથલીનો ઓઝત-વિઅર ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે.​​

હેઠવાસમાં આવેલ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા સુચના
રાજકોટ તાલુકાના થોરાળા ગામ પાસેના આજી-1 ડેમ પૂરેપૂરો ભરાઇ ગયો હોવાથી હાલમાં 0.08 ફૂટ ઓવરફલો ચાલુ છે. તેથી હેઠવાસમાં આવેલ બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર, રોણકી ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવેલ છે. ડેમમાં 103 કયુસેકના પાણીના પ્રવાહની આવક ચાલુ છે. હાલમાં ડેમમાંથી ૧૦૩ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહયો છે.

આજી ડેમ વિશે

  • 1957માં આજીડેમનુ લોકાર્પણ કરવામાં આવ્યું
  • 17 વખત અત્યાર સુધીમાં ઓવરફ્લો
  • 12 કરોડ લિટર પાણી દૈનિક વિતરણ કરાય છે
  • 944 MCFT આજીમાં કુલ જળ સપાટી