કોરોનાની બીજી લહેર ધીમી પડતા છેલ્લા દોઢ વર્ષથી પર્યટન સ્થળોએ નહી જઈ શકનારા પ્રવાસીઓ આગામી જન્માષ્ટમી અને સાતમ આઠમ સહિતના તહેવારોમાં ગોવા જવા ઉત્સુક બન્યા છે. જેથીસૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ એરપોર્ટમાં મુસાફરોના ધમધમાટ સાથે વિમાનોની સંખ્યા વધવા લાગી છે. રાજકોટથી મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ સાથે ગોવાની પણ ડાયરેકટ ફલાઈટ શરુ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસી હવાઈ મુસાફરોમાં આનંદ છવાયો છે.
હાલ રોજના 45થી 50 પ્રવાસીઓ ગોવા જઇ રહ્યાં છે
વર્ષો બાદ રાજકોટ-ગોવા ફ્લાઈટ શરુ થતા રાજકોટ સહિતના પ્રવાસીઓને પર્યટન સ્થળ ગોવા જવાની વિમાની સેવા મળી છે. સામાન્ય રીતે રાજકોટ-ગોવા ફ્લાઈટનું મુસાફર ટિકિટ ભાડુ રૂા. 5000 આસપાસ હોય છે. પરંતુ આગામી તહેવારોના કારણે ટિકીટ દર રૂા.15000 સુધી પહોંચ્યો છે. ત્રણ ગણું ભાડુ હોવા છતાં આગામી તા.27થી 30 ઓગષ્ટનાં દિવસોમાં ફ્લાઈટ ફુલ રહેશે. જન્માષ્ટમી પર્વમાં રાજકોટ સહિતના પ્રવાસીઓએ ગોવા જવા એડવાન્સ બુકિંગ કરાવ્યા રહ્યાં છે.
વેપારીઓ-ઉદ્યોગકારોને હવાઈ સેવા ઉપયોગી
ગત જુલાઈ માસથી ઈન્ડીગો એરલાઈન્સ કંપનીએ મુંબઈ-દિલ્હીની ફલાઈટ સેવામાં શરુ કરી હતી. બાદમાં સ્પાઈસ જેટ એરલાઈન્સે પર મુંબઈ-દિલ્હી, સાથે હૈદરાબાદ-ગોવાની ફલાઈટ શરુ કરતા રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને દેશનાં મેટ્રો શહેર અને ગોવા જેવા પર્યટન સ્થળે આવવા-જવાની સવલત વધી છે. ઔદ્યોગીક ક્ષેત્રે સ્પેરપાર્ટસમાં રાજકોટ મોટુ હબ ગણાતુ હોવાથી વેપારીઓ-ઉદ્યોગકારોને હવાઈ સેવા ઉપયોગી નિવડી છે.
ડેઈલી ફલાઈટમાં જન્માષ્ટમીના તહેવારો પુર્વે ફુલ થવા લાગી
હાલ શ્રાવણ માસના દિવસોમાં મુંબઈની ફલાઈટમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગતા એર ઈન્ડીયાએ શનિવાર સિવાયના દિવસોમાં મુંબઈ ફલાઈટ આગામી તા.17 ઓગષ્ટથી તા.31ઓગષ્ટ સુધી ડેઈલી ઉડાડવાનો નિર્ણય લીધો છે. મુંબઈના વધતા જતા ટ્રાફીકને ધ્યાને લઈ ઈન્ડીગો કંપનીએ પણ મુંબઈ ફલાઈટનું ડેઈલી ઉડ્ડયન શરુ કર્યુ છે. પર્યટન સ્થળ ગોવાની ડેઈલી ફલાઈટમાં જન્માષ્ટમીના તહેવારો પુર્વે ફુલ થવા લાગી છે.
ગોવાની ફલાઈટોમાં મુસાફરોની સંખ્યામાં વધારો
આગામી મંગળવારથી મુંબઈ જવા ડેઈલી ત્રણ ફલાઈટનું ઉડ્ડયન શરુ થશે જેમાં દર શનિવારે એર ઈન્ડીયાની મુંબઈ ફલાઈટ બંધ રહેતી હોવાથી શનિવારે મુંબઈની બે ફલાઈટ ઉડશે. મુંબઈની સરખામણીમાં દિલ્હીની ફલાઈટમાં મુસાફરોની સંખ્યા સામાન્ય હોવાથી ઈન્ડીગો અને એર ઈન્ડીયાની સપ્તાહમાં 4 દિવસ ફલાઈટ ઉડી રહી છે. જો કે સ્પાઈસ જેટની દિલ્હી ડેઈલી સેવામાં મુંબઈની સરખામણીએ મુસાફરોની સંખ્યા સામાન્ય રહે છે. શ્રાવણ માસમાં મુંબઈ અને ગોવાની ફલાઈટોમાં મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.