રાજકોટમાં એઈમ્સ હાલ દર્દીઓના નિદાન માટે કાર્યરત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સારવાર માટે દાખલ કરવાની સુવિધા પણ શરૂ થઇ જશે. આ પહેલા વધુ એક લાભ રાજકોટના શહેરીજનોને મળવા જઈ રહ્યો છે. એઈમ્સ અને રાજકોટ મહાનગરપાલિકાના એમઓયુ થયા છે જેમાં એઈમ્સના તજજ્ઞ તબીબો આરોગ્ય કેન્દ્રમાં નિદાન માટે આવશે. આરોગ્ય કેન્દ્રો માટે તંત્રને એમબીબીબેસ તબીબો માંડ મળે છે અને ક્યાંક તો હોમિયોપેથ જ હોય છે ત્યારે એઈમ્સના નિષ્ણાતોનો લાભ શહેરના ગરીબ વર્ગને મળશે.
તબીબી અભ્યાસક્રમમાં પીએસએમ વિભાગ જાહેર આરોગ્યના રિસર્ચ સાથે જોડાયેલો વિભાગ છે. એઈમ્સમાં પીએસએમ વિભાગે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સાથે જોડાણ કર્યું છે. જે મુજબ એઈમ્સના પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના રોગના નિષ્ણાત, ગાયનેક એટલે કે સ્ત્રીરોગ નિષ્ણાત તેમજ એક ફિઝિશિયન કે જે તમામ રોગોના નિદાન કરશે તેઓ નાનામવા આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ચકાસશે.
આસપાસના વિસ્તારના લોકોને ઘણા ફાયદા
આ તબીબો સપ્તાહમાં બે વાર આરોગ્ય કેન્દ્રમાં આવશે તેથી સપ્તાહમાં છ દિવસ નિષ્ણાત તબીબો જ રહેશે આ ઉપરાંત તેમની ઓપીડીનો સમય પણ બપોર બાદનો રાખીને જે ગરીબ દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી જવું પડે છે તેમાંથી રાહત મળશે અને ત્યાં જ સારામાં સારું નિદાન થઈ શકશે. એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ જે તબીબો હોય તેવા ઈન્ટર્ન તબીબોને પણ નિશ્ચિત સમય સુધી આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવવાની હોય છે. જ્યારે એઈમ્સની પહેલી એમબીબીએસ બેચ પાસ થશે અને ઈન્ટર્ન તબીબોને વિવિધ સ્થળોએ ફરજ સોંપાશે તેમાં નાનામવા આરોગ્ય કેન્દ્ર પહેલા રહેશે. આ કારણે આ કેન્દ્ર પર નિષ્ણાત તબીબો જ રહેતા આસપાસના વિસ્તારના લોકોને ઘણા ફાયદા થશે.
એઈમ્સને રિસર્ચ માટે જરૂરી મદદ મળશે
તબીબી અભ્યાસક્રમમાં પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન, કોમ્યુનિટી મેડિસિન વિભાગ જાહેર આરોગ્યને લગતી મહત્ત્વપૂર્ણ કામગીરી કરે છે તેમજ રિસર્ચ પર વધુ ભાર મૂકે છે. એઈમ્સના આ જ પીએસએમ વિભાગે મનપા સાથે એમઓયુ કર્યા હોવાથી એઈમ્સની ટીમને પબ્લિક હેલ્થ પર કોઇ રિસર્ચ કરવું હશે ત્યારે પણ તેઓ નાનામવા આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારમાં સરવે કરવા તેમજ અન્ય રિસર્ચ કરવા માટે મનપાના સ્થાનિક આરોગ્ય કર્મચારીઓની મદદ લેશે તેમજ ડેટા એકત્ર કરશે. આ રીતે નાનામવા વિસ્તારમાં રોગની સ્થિતિ, દવાની સ્થિતિ તેમજ અન્ય અભ્યાસ થતા ત્યાં વધુ સારી રીતે વિવિધ અમલવારી જેવી કે એન્ટિ લારવા એક્ટિવિટી, વેક્સિનેશન સહિતમાં ફાયદો થશે જ્યારે એઈમ્સને રિસર્ચ માટે જરૂરી મદદ મળશે.
એકસાથે મલ્ટિ સ્પેશિયાલિટી ઓપીડીની સેવા
નાનામવા આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબોની સેવા ઉપરાંત તે વિસ્તારમાં વિવિધ આરોગ્ય કેમ્પ પણ કરવામાં આવશે. આ કેમ્પમાં પણ એઈમ્સના વિવિધ તબીબો હાજર રહીને એકસાથે મલ્ટિ સ્પેશિયાલિટી ઓપીડીની સેવા આપશે. હાલ આ તમામ વિભાગ માટે એઈમ્સમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને પૂર્ણ થયા બાદ અંદાજે બે મહિનામાં એમઓયુની અમલવારી થશે. ઈન્ટર્ન તબીબોના મુદ્દે કોર્સ પૂર્ણ થવા સુધી રાહ જોવાની રહેશે ત્યારબાદ નાનામવા આરોગ્ય કેન્દ્ર આખું એઈમ્સનો નાનો ભાગ બની જશે.
રાજ્ય સરકાર બજેટમાં રાજકોટ શહેરને વધુ 9 આરોગ્ય કેન્દ્રની ભેટ આપશે
રાજકોટ શહેરમાં હાલ 23 શહેરી આરોગ્ય કેન્દ્ર છે. એક મનપા સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે અને બીજા માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ બન્યા બાદ આરોગ્ય ક્ષેત્રે મનપાનો વ્યાપ વધશે પણ 2023-24ના બજેટમાં રાજ્ય સરકાર રાજકોટ શહેરને વધુ 9 આરોગ્ય કેન્દ્રની ભેટ આપશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ કારણે શહેરી આરોગ્ય કેન્દ્રની સંખ્યા 23થી વધીને 32 થશે. શહેરમાં 18 વોર્ડ હોવાથી દરેક વોર્ડમાં એક આરોગ્ય કેન્દ્ર તો હશે જ તેની સાથે અમુક વોર્ડમાં બે બે કેન્દ્ર તેમજ બે વોર્ડ વચ્ચે 3 આરોગ્ય કેન્દ્ર થતા લોકોને દવા લેવા માટે ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલ સુધી જવું પડશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.