કાર્યવાહી:60 લાખના ઉચાપતના ગુનામાં અમદાવાદનો શખ્સ પકડાયો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડે. ચીફ મેનેજરને એકના ડબલની લાલચ આપી’તી
  • નાણાં લઇ જનાર આરોપીઓની શોધખોળ

રાજકોટ નાગરિક બેંકના 60 લાખના ઉચાપતના બનાવમાં માસ્ટર માઇન્ડ એવા અમદાવાદના શખ્સને માલવિયાનગર પોલીસે પકડી પાડ્યો છે. નાગરિક બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર રવિ જોષીએ હેડ બ્રાંચમાંથી રૂ.65 લાખની રોકડ મગાવ્યા બાદ તેમાંથી રૂ.60 લાખની ઉચાપત કરી હતી. જે બનાવ અંગે બેંકના જ અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે માલવિયાનગર પોલીસમથકના પીઆઇ કે.એન.ભૂકણ, પીએસઆઇ બી.બી.રાણા સહિતના સ્ટાફે ઉચાપત કરનાર ડે.ચીફ મેનેજર રવિ જોષી અને ભવ્યેશ ભોગીલાલની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન આરોપી રવિ જોષીએ અમદાવાદ રહેતા દેવેન્દ્ર ભોગીલાલ પટેલે એકના ડબલ કરી આપવાની વાત કરી હતી. જેથી પોતે લાલચમાં આવી જતા બેંકમાંથી રૂ.60 લાખ રકમની ઉચાપત કરી હતી. રકમ ઉચાપત કર્યા બાદ દેવેન્દ્રએ તેના બે શખ્સને રાજકોટ મોકલ્યા હતા. જેથી તે બંને શખ્સને 60 લાખની રોકડ આપી હોવાની કબૂલાત આપી હતી.

બાદમાં ડે.ચીફ મેનેજર સહિત બંને આરોપીના રિમાન્ડ પૂરા થતા જેલહવાલે કર્યા હતા. દરમિયાન ઉચાપત કેસના માસ્ટર માઇન્ડ દેવેન્દ્ર પટેલને પકડવા ચક્રો ગતિમાન કરી દેવેન્દ્રને અમદાવાદથી ઝડપી લઇ ધરપકડ કરી છે. આ પ્રકારના અન્ય ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરવા પોલીસે દેવેન્દ્રને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...