શરમજનક:ઉપલેટામાં એક મહિના પહેલા માતા-પિતા નવજાત બાળકને તરછોડીને મધ્યપ્રદેશ ભાગી ગયા હતા, હવે રાજકોટ બાલાશ્રમમાં આશ્રય, નામ ‘કર્ણ’ રાખ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાઠિયાવાડ બાલાશ્રમની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કાઠિયાવાડ બાલાશ્રમની ફાઇલ તસવીર.
  • સાળી-બનેવીના શારીરિક સંબંધથી બાળક જન્મ્યુ હોવાની શંકા, DNA રિપોર્ટની જોવાતી રાહ

ઉપલેટામાં એક મહિના પહેલા સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકને તરછોડીને માતા-પિતા મધ્યપ્રદેશ ભાગી ગયાની ઘટના સામે આવી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા મધ્યપ્રદેશના મજૂર પરિવારનો હોવાનું અને તેઓ માસૂમ બાળકને મૂકી વતન ભાગી ગયાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં તે બાળક સાળી-બનેવીના શારીરિક સંબંધથી જન્મ્યું હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે પ્રથમ તો બાળકને રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બલાશ્રમમાં આશરો અપાવ્યો છે. આથી અહીં તે બાળકનું નામ કર્ણ અપાયું છે અને તે બાળક હાલ ઘોડિયા ઘરમાં આશ્રય લઇ રહ્યું છે.

DNA રિપોર્ટ આવ્યા બાદ સાચા માતા-પિતા કોણ તે જાણવા મળશે
પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે સાળી બનેવીને તો ઝડપી લીધા છે. પરંતુ ખરેખર તે બાળક આ બંનેનું જ છે કે નહીં તે માટે DNA ટેસ્ટ કરાયા છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ જ આ બાળકના સાચા માતા-પિતા કોણ છે તે જાણવા મળશે. હાલ તો બાળક રાજકોટ બાલાશ્રમમાં ઉછરી રહ્યું છે. રાજકોટ બાલાશ્રમમાં તરછોડાયેલા બાળકોને આશરો આપવામાં આવી રહ્યો છે.

4 મહિના પહેલા લોધિકામાં મહિલાએ બાળકીને મૃત સમજી હોસ્પિટલ પાછળ તરછોડી દીધી હતી
રાજકોટ સહિત ગુજરાતમાં નવજાત બાળકોને ત્યજી જનેતા ભૂગર્ભમાં ઉતરી જતી હોવાના અનેક કિસ્સા બને છે. ચાર મહિના પહેલા પણ રાજકોટના લોધિકામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી. લોધિકાની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ પરપ્રાંતીય મહિલાએ પોતાની બાળકી મૃત હોવાનું સમજી હોસ્પિટલના પાછળના ભાગે તરછોડી ભાગી ગઈ હતી. પરંતુ બાદમાં બાળકીનો રડવાનો અવાજ સંભળાતા જ સ્થાનિક લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીનો કબ્જો લઇ સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી છે. તેમજ બાળકીને તરછોડનાર જનેતાની અટકાયત કરી હતી.