એક તરફ સરકાર દ્વારા આજે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ખેડૂત ખેતી બચાવો અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે આ સમયે પોલીસે ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિત 20 જેટલા આગેવાનો અને કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસના સહપ્રભારીની પણ અટકાયત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ ખાતે આજે કોંગ્રેસ દ્વારા સરકાર કિસાન સન્માન કાર્યક્રમ સામે ખેડૂત ખેતી બચાવો અભિયાન કાર્યક્રમ અંતર્ગત બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સમયે કુવાડવા પોલીસ દ્વારા વિરોધકર્તા ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સહિત રાજકોટ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાતના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા તાયફાઃ કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે, ગુજરાતની ભાજપ સરકાર 5 ઓગસ્ટના દિવસે કિસાન સન્માન દિવસ ઉજવીને ગુજરાતના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરી રહી છે. ગુજરાતના ખેડૂતો પર 90 હજાર કરોડ કરતા પણ વધારે દેવું થઈ ચૂક્યું છે. આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. એક બાજુ ખાતર ન મળે, બિયારણ ન મળે, સિંચાઈ, વીજળી તમામ મોંઘુ હોય તેવા સંજોગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી. પાક વીમાથી રક્ષણ ન મળતા ખેડૂત અને ખેતી ખતમ કરવા માટેનું ષડયંત્ર હોય તે રીતે જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કોભાંડ કરવામાં આવ્યા છે.
20 આગેવાનોની અટકાયત કરવામાં આવી
પોલીસે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ભીખાભાઇ વાળોતરીયા, કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જિલ્લા પ્રમુખ હિતેષ વોરા, રાજકોટ મનપા વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, જસવંતસિંહ ભટ્ટી,પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, ભરત મકવાણા, અર્જુન ખાટરિયા, સુરેશ બથવાર, જસદણ પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ, અવસર નાકીયા, દિનેશ મકવાણા, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગીડા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા, અશોકસિંહ વાઘેલા, દિલીપ આશવાણી, અલ્પેશ ટોપીયા સહિત 20ની પોલીસે અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.