રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર SBIના ATM મશીન સાથે ચેડા કરી પૈસા ઉપાડી બેંક સાથે છેતરપિંડી આચરનાર શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.
22 ATM કાર્ડ અને HDFC બેંકની 3 પાસબુક જપ્ત
રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM મશીન સાથે ચેડા કરી છેતરપિંડી અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાતા આરોપીઓને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા આજ રોજ ગાંધીગ્રામ પોલીસે આંતરરાજ્ય ગેંગના ચાર શખ્સો મહમદ અહેમદ ઇસ્માઇલભાઇ બુમ્બીયા, કરણભાઇ હરીશભાઇ ઉનડકટ, તાલીબહુશેન હામીદહુશેન મેઉ, અને મુબીનખાન નુરમોહમદ મેઉની ધરપકડ કરી છે. જેમાં બે શખ્સો રાજકોટના અને બે શખ્સો હરીયાણાના છે. તેની પાસેથી 2 મોબાઇલ ફોન, અલગ અલગ બેંકના કુલ 22 ATM કાર્ડ અને HDFC બેંકની 3 પાસબુક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારે ચીટિંગ કરતા હતા
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પોતાનુ HDFC બેંકનું ATM કાર્ડ SBI બેંકના ATM મશીનની અંદર પૈસા ઉપાડવા ટ્રાન્જેક્શન કરતા હતા. એ દરમિયાન કરન્સી નોટો ATM મશીનના આઉટર બોક્સમાંથી બહાર આવે એટલે પૈસા ઉપાડી લઈ ATM મશીનનુ આઉટર બોક્સ બીજા હાથે પકડી રાખી બંધ થવા દેતા ન હતા. જેથી મશીનમાં એરર આવતી હતી અને બેંક એવુ માને કે કસ્ટમરને પૈસા મળેલ નથી પરંતુ કસ્ટમરના એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયેલ છે.
SBI બેંકે HDFC બેંકને પૈસા ચુકવી આપ્યા
આ એરરનો લાભ લઇ પોતાની HDFC બેંકમાં કમ્પલેન નોંધાવે કે અમોએ SBI બેંકના ATM નો ઉપયોગ કરતા અમારા એકાઉન્ટમાંથી પૈસા ડેબીટ થઇ ગયેલ છે પરંતુ અમોને પૈસા મળેલ નથી અને તે કમ્પલેનના આધારે HDFC બેંક કસ્ટમરની કમ્પલેન SBI બેંકને કરી તે કમ્પલેનના આધારે તેના એકાઉન્ટમાંથી ડેબીટ થયેલ પૈસા ક્રેડીટ કરાવવા ફરિયાદ કરતી હતી. જેના આધારે SBI બેંકે HDFC બેંકને પૈસા ચુકવી આપ્યા હતા.
અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે
આમ પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી પોતાને પૈસા મળેલ નથી તેમ જણાવી બેંક સાથે છેતરપીંડી કરેલ છે. આ તમામ આરોપીઓ અગાઉ છેતરપિંડીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી અન્ય કોઇ બેન્ક સાથે છેતરપિંડી આચરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.