રાજકોટમાં જિલ્લામાં મેઘરાજા મહેરબાન:જસદણમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, કુતિયાદળ અને બામણબોરમાં નદી-નાળા છલકાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી

રાજકોટમાં જિલ્લામાં હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જસદણ પંથકમાં આજે બપોરે અંદાજિત 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો.જેને પગલે સાણથલી, દોલતપર,વેરાવળ અને ડોડીયાળા સહીતના વિસ્તારમાં રસ્તાઓ નદી બન્યા હતા. આ ઉપરાંત જિલ્લાના ગારીડા,જીવાપર, ગુંદાળા, બેટી,કુવાડવા, કુતિયાદળ અને બામણબોરમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. જેથી નદી-નાળા છલકાઈ ગયા હતા અને ખેતરમાં પાણી ભરાયાં હતાં હાલ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઉપરાંત આટકોટમાં પણ હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા.

મેઘરાજા મહેરબાન થયા
મેઘરાજા મહેરબાન થયા

શહેરમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા
હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સવારે અસહ્ય ગરમી બાદ બપોરે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો. બાદમાં શહેરના શીતલ પાર્ક, ગાંધીગ્રામ, જામનગર રોડ, રેસકોર્સ અને એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા.

જસદણમાં નદી-નાળા છલકાઈ ગયા
જસદણમાં નદી-નાળા છલકાઈ ગયા

વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારે અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. જોકે બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવાનું ચાલુ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં પવન ફૂંકાવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. જોકે બફારાનું પ્રમાણ વધતા લોકો પણ પરેશાન થયા હતા.

બાડપર ગામની નદીમાં ઘોડાપૂર આવ્યા
રાજકોટના સરધાર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાડપર પર ગામમાં ભારે વરસાદના પગલે બાડપર ગામની નદીમાં આવ્યા ઘોડાપૂર આવ્યા હતા. વરસાદનું પાણી કોઝવે પર ફરી વળ્યું હતું. આ સાથે જ મકનપર, ઉમરાળી, ખારસીયા, હોડથલી, હાલેન્ડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અષાઢીબીજના દિવસે મેઘરાજા મહેરબાન થયા
નોંધનીય છે કે, બે દિવસ પહેલા અષાઢીબીજના દિવસે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધી અડધા થી 5 ઇંચ સુધીનો વરસાદ 10 તાલુકામાં નોંધાયો હતી. જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં નોંધાયો હતો. જયારે એક માત્ર વિંછીયા તાલુકામાં વરસાદ વરસ્યો જ નથી. રાજકોટ શહેરમાં માત્ર એક ઇંચ વરસાદથી પોપટપરાનું નાળુ જળબંબાકાર થયું હતું. બીજી તરફ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોંડલની નાની બજારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.

(કરશન બામટા, આટકોટ)