હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજે પાંચ વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઢેબર રોડ, યાજ્ઞીક રોડ, યુનિવર્સિટી રોડ, જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, આજીડેમ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં 4 MM, વેસ્ટ ઝોનમાં 0 MM અને ઇસ્ટ ઝોનમાં 13 MM વરસાદ નોંધાયો છે.
કુવાડવા રોડ પર સૌથી વધુ વરસાદ
શહેરના કુવાડવા રોડ પર સૌથી વરસાદ નોંધાયો છે. અહીં થોડી જ મિનીટોમાં અડધો ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ પહેલા વરસાદમાં યુવાનો ન્હાવા માટે બહાર નીકળી ગયા હતા.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
ધોધમાર વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આખો દિવસ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. જોકે સાંજના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવાનું ચાલુ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં પવન ફૂંકાવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. જોકે બફારાનું પ્રમાણ વધતા લોકો પણ પરેશાન થયા હતા.
વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ઉનાળુ પાક તલ, બાજરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ તલ અને બાજરીનો પાક તૈયાર થવા પર છે અને વરસાદથી તેના પર પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ કેરી પકવતા સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
તંત્રના પ્રિ-મોન્સુનના દાવા પોકળ સાબિત થયા
રાજકોટમાં જેવો વરસાદ પડ્યો તરજ જ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. જ્યાં માત્ર અડધો ઇંચ વરસાદ આવ્યો અને બાપુનગર વિસ્તારની અંદર લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. એક બાજુ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પ્રિ-મોન્સૂન પ્લાનને લઈને 3 મિટિંગો થઇ છે. તો બીજી તરફ આ પ્રકાર ના દૃશ્યો સામે આવ્યા છે. હાલ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.