બાપ્પા મોરયા:રાજકોટમાં બે વર્ષ બાદ ગણપતિની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું થશે સ્થાપન, ઓર્ડર અપાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિની ઊંચાઈ અને કોરોનાના પ્રતિબંધો હટાવી દેવાતા ગણેશચતુર્થી માટે તૈયારીઓનો ધમધમાટ
  • શહેરમાં નાના મોટા 350થી વધુ પંડાલ નખાશે, 4 વર્ષ પહેલા મુંબઈની જેમ 17 ફૂટની મૂર્તિ સ્થપાઈ હતી

રાજ્ય સરકારે કોરોનાને લઈને તમામ પ્રતિબંધો હટાવી દીધા બાદ ગણેશચતુર્થીને લઈને જાહેરાત કરી છે કે હવે 4 ફૂટથી વધુની ઊંચાઈની મૂર્તિ સ્થાપિત કરી શકાશે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જે નિયમો છે તે જ અમલમાં રહેશે. આ નિર્ણયને કારણે રાજકોટ શહેરમાં બે વર્ષ બાદ 14 ફૂટની પ્રતિમાઓ પંડાલમાં જોવા મળશે.

રાજકોટ શહેરમાં 350 જેટલા નાના મોટા પંડાલોમાં ગણેશચતુર્થી સમયે ગણેશ સ્થાપન થાય છે અને હજારો લોકો દર્શન માટે આવે છે. કોરોનાને લઈને એક વર્ષ આયોજન થયા ન હતા અને બીજા વર્ષે મૂર્તિની ઊંચાઈ 4 ફૂટ અને શ્રદ્ધાળુઓને પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે જણાવાયું હતું.

હવે કોરોનાના તમામ નિયંત્રણો હટ્યા છે તેવી સરકારે જાહેરાત કર્યા બાદ મૂર્તિની ઊંચાઈ પરની મર્યાદા હટાવાઈ છે અને જીપીસીબીના નિયમનું પાલન કરીને ઊંચી મૂર્તિ સ્થાપિત કરી શકાશે. આ મામલે આયોજક જીમ્મી અડવાણી જણાવે છે કે, શહેરમાં ચાર વર્ષ પહેલા 17 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાઈ ચૂક્યું છે અને દર વર્ષે 12થી 15 ફૂટની ઊંચાઈની મૂર્તિઓનું સ્થાપન થાય છે. આ માટે ચાર પાંચ મહિના અગાઉ ઓર્ડર દેવાઈ જાય છે. તેઓએ પણ ઓર્ડર આપી દીધો હતો પણ સાઈઝને કારણે કન્ફર્મ કર્યો ન હતો હવે નક્કી થશે.

આ વર્ષે અંદાજે 14 ફૂટની મૂર્તિઓ મૂકવાનું આયોજન છે. ઊંચાઈને લઈને તેઓએ કહ્યું હતું કે, પ્રદૂષણ બોર્ડે પીઓપીમાંથી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે માટીમાંથી ગમે તેટલી ઊંચાઈની બનાવી શકાય છે. મુંબઈમાં 17થી 20 ફૂટ જેટલી ઊંચી પ્રતિમાઓ હોય છે અને મૂર્તિ જેટલી ઊંચી બને પંડાલ પણ તેનાથી મોટો બંધાતો હોય છે. રાજકોટમાં સરેરાશ 14થી 15 ફૂટની ઊંચાઇ રહે છે.

માટીની મૂર્તિના અત્યારથી જ ઓર્ડર આપી દેવાશે
પીઓપીની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ છે ત્યારે રાજકોટમાં પણ માટીના ગણપતિની મૂર્તિનો પંડાલના સંચાલકો વધુ આગ્રહ રાખે છે. રાજકોટમાં બેથી ત્રણ સ્થળે 2 થી 10 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. બે વર્ષ બાદ ગણેશોત્સવ ઉજવવા શ્રદ્ધાળુઓમાં થનગનાટ છે ત્યારે કેટલાક પંડાલના સંચાલકોએ માટીની મૂર્તિ માટે અત્યારથી જ ઓર્ડર આપી દીધા છે અને મૂર્તિ બનાવવાનું પણ શરૂ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...