ક્યાંક મહેર, ક્યાંક કહેર:વરસાદી તારાજી બાદ ખેડૂતોએ કહ્યું, ધોવાણ બાદ ફરી વાવેતર થાય તેમ નથી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાદરવામાં ધરતીપુત્રોની મુશ્કેલી ભરપૂર
  • રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોનું વર્ષ બગડ્યું

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એક સાથે તૂટી પડેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. પહેલા ખેડૂતો વરસાદ વિના ચિંતામાં હતાં, પરંતુ હવે વધુ વરસેલા વરસાદે જ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. અનેક વિસ્તારોમાં વરસાદી પ્રકોપથી ખેડૂતોના ખેતરો નદીમાં ફેરવાયા છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો હવે ધોવાણ થયેલ ખેતરમાં ફરી વાવેતર પણ કરી શકે તેમ નથી. રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ક્યાંક વરસાદે મહેર કરી છે તો ક્યાંક કહેર વર્તાવ્યો છે.

વાવણી બાદ સારા વરસાદ વિના પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. જેથી ખેડૂતો લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. જોકે આ સારો વરસાદ ખેડૂતો માટે જાણે મુશ્કેલી બનીને વરસ્યો છે. નદીઓ ગાંડીતૂર બનતા પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની જે રોજીરોટી છે તે જમીનો ધોવાઈ ગઈ છે. ગોંડલ લોધિકા, ઉપલેટા, ધોરાજી તેમજ જામનગર અને જૂનાગઢના અનેક ગામોમાં પૂરના પ્રકોપથી ખેડૂતોની જમીનમાંથી પથ્થરો દેખાવા લાગ્યા છે. જ્યાં લીલો પાક લહેરાતો હતો ત્યાં હવે માટી પણ રહી નથી. ધોવાણ વધુ પ્રમાણમાં હોવાથી ફરી વાવેતર પણ થઈ શકે તેવી સ્થિતિ નથી. ખેડૂતોના કહેવા મુજબ વર્ષોની મહેનત એક પૂર તાણી ગયું છે.

ખેતરમાં પાકને બદલે પથ્થરો જોઈ શકાતા નથી
10 વીઘા જમીનમાં તલ, મરચી અને કોબીજનું વાવેતર હતું. પરંતુ એક જ દિવસમાં આ પાક સાથે જમીનનો સફાયો થઈ જશે તેવું ક્યારેય વિચાર્યું નહોતું. ખેતરમાં રહેલ 60 ફૂટ ઊંડો કૂવો પણ બૂરાય ગયો છે. પાણીની મોટર પણ તણાઈ ગઈ છે. ખેતરમાં પાકને બદલે પથ્થરો તરતા જોઈ શકાતા નથી. હવે ફરી વાવેતર થઈ શકે તેવી સ્થિતિ નથી. આ વર્ષે જ નહીં જ્યાં સુધી નવી માટી ન ભરાઈ ત્યાં સુધી વાવેતર થઈ શકે તેવી સ્થિતિ નથી. > કાનભાઈ ચાવડા, ખેડૂત, ચિત્રાવડ (ઉપલેટા)

સારા ઉત્પાદનની આશા નઠારી નિવડી
ગત વર્ષે પાછોતરા વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે આ વર્ષે સારા ઉત્પાદનની આશા હતી. વાવણી પણ વ્યાજે રૂપિયા લઈને કરી હતી. તેની વચ્ચે એક સાથે તૂટી પડેલા વરસાદે આશા પર પાણી ફેરવી દીધું છે. ખેતરમાંથી ઉપરની તમામ માટી તણાઈ ગઈ છે. હવે વાવેતર કરવાથી પણ ઉગે નહીં તેવી નદીના પટ જેવી જમીન થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે હવે સરકાર સહાય આપે તો રાહત થઈ શકે તેમ છે.>ખેડૂત, ચિત્રાવડ (ઉપલેટા)

અન્ય સમાચારો પણ છે...