સભા યોજાઇ:જાહેરસભા બાદ રેલી સ્વરૂપે પહોંચી ભાજપના ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સભા યોજાઇ
  • કપાયેલા મંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા, પરંતુ તેમની ઉદાસીનતા સહુના ધ્યાને ચડી

ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજકોટના ચારેય ઉમેદવારોની ગુરૂવારે જાહેરાત કરી હતી, અગાઉના ચારેય ધારાસભ્યોને પડતા મૂકી ચારેય નવા ચહેરાને પસંદ કરવામાં આવ્યા હતા, શુક્રવારે ફોર્મ ભરતી વખતે ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. સવારે 10.30 વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે આગેવાનો અને કાર્યકરો ઊમટી પડ્યા હતા, સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુને ચારેય ઉમેદવારોએ હારતોરા કર્યા હતા. ત્યારબાદ જાહેરસભા યોજાઇ હતી, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા સહિતના આગેવાનોએ આગામી ચૂંટણીમાં જીત મેળવવા કાર્યકરોને હાકલ કરી હતી.

રાજકોટની ચારેય બેઠક પર ટિકિટ મેળવવા માટે 50 થી વધુ આગેવાનોએ દાવેદારી કરી હતી, નામોની યાદી જાહેર થઇ તેની આગલી સાંજે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે ચૂંટણી લડવા ઇચ્છુક નહીં હોવાની જાહેરાત કરી હતી, પરંતુ મંત્રી અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ અને લાખા સાગઠિયા પોતાને ફરીથી ટિકિટ મળશે તેવા દ્રઢ આશાવાદી હતી, યાદી જાહેર થતાં જ તમામ ધારાસભ્યોના નામ કપાયા હતા અને તેમના સ્થાને નવા ચહેરાની પસંદગી કરવામાં આવીહતી.

ફોર્મ ભરતા પૂર્વે જાહેરસભામાં કપાયેલા આગેવાનો પણ સ્ટેજ પર દેખાયા હતા પરંતુ તેમના ચહેરા પર ઉદાસીનતા જોવા મળી હતી જે કાર્યકરોના નજરે ચડી હતી. સભા બાદ સભા સ્થળેથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે ઉમેદવારો અને કાર્યકરો પહોંચ્યા હતા, વિધાનસભા 68 માટે ઉદય કાનગડ, 69માં ડો. દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. ભાજપે પોતાના ચારેય ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે બહુમાળી ચોકમાં જાહેરસભાનું આયોજન કર્યું હતું અને ચોકમાં વિશાળ ડોમ પણ ઊભો કરવામાં આવ્યો હતો, શુક્રવારે સવારે 10.30 વાગ્યે સભા શરૂ થઇ તે પહેલા 8 વાગ્યાથી આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે બેરિકેટ લગાવી દીધી હતી અને વન-વે કરી દેતા ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા.

કોંગ્રેસના વોરા-બથવાર અને આપના ભૂવા-સાગઠિયાએ પણ ફોર્મ ભર્યાં
ચાર બેઠકમાંથી કોંગ્રેસે બે બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે, તે બંને ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. વિધાનસભા 70માંથી હિતેષ વોરા અને 71માંથી સુરેશ બથવારે ટેકેદારો સાથે પહોંચીને ફોર્મ ભર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના વિધાનસભા 68ના ઉમેદવાર રાહુલ ભુવા અને 71ના ઉમેદવાર વશરામ સાગઠિયાએ પણ ફોર્મ રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...