ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખવડને સોશિયલ મીડિયાના માધ્યમથી અપમાનજનક ટિપ્પણીઓ કરી ગાળો ભાંડવાના બનાવની હાઇકોર્ટમાં થયેલી પિટિશન બાદ અંતે રાજકોટ પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. યુનિવર્સિટી રોડ, ગોલ્ડનપાર્ક-2માં રહેતા લોકસાહિત્યકાર દેવાયતભાઇ દાનભાઇ ખવડની ફરિયાદ મુજબ, અગાઉ શેરીમાં કાર પાર્ક કરવા મુદ્દે પાડોશમાં રહેતા મયૂરસિંહ ચંપકસિંહ ઝાલા અને જીત મોડાસિયાએ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર તા.29-9ના રોજ લાઇવ થઇ પોતાને ગાળો ભાંડી અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવાનું ગત તા.30ના રોજ પોતાને જાણવા મળ્યું હતું.
જેથી બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાને ગાળો આપી સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હોય મિત્ર પ્રિન્સભાઇ પટેલને આ વાત કરી હતી. ત્યાર બાદ યુનિ.પોલીસ મથક તેમજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદ નહિ લેતા હાઇકોર્ટના દ્વાર ખટખટાવી પિટિશન દાખલ કરી હતી.
દેવાયતભાઇ ખવડે તેના એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં જણાવ્યું છે કે, જીત મોડાસિયા નામનો શખ્સ સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર લાઇવ થઇને પોતાના વિશે અશોભનીય અને અંગત જીવન વિશે જાહેરમાં સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી કોમેન્ટ કરે છે. અને સાથે સાથે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપે છે. રાજકોટ પોલીસ અને સાયબર ક્રાઇમ પોતાની ફરિયાદ લેતા ન હોય પોતાની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર શખ્સો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમજ તેમને સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે તે દૂર કરાવવા પણ દાદ માગી હતી.
દરમિયાન હાઇકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણી થઇ જતા યુનિવર્સિટી પોલીસને ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જેને પગલે યુનિવર્સિટી પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી છે. પોલીસે લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડની ફરિયાદ પરથી સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર મયૂરસિંહ ઝાલા અને જીત મોડાસિયા સામે આઇપીસી 294(બી), 500, 114ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.