રાજકોટ નજીક નાકરાવાડી ગામે રહેતાં પ્રીતમ ભલાભાઈ સાધરીયા (ઉ.વ.18) એ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક યુવાન ડ્રાઇવિંગ કામ કરતો હતો અને તેની માતા સાથે તેના પિતાએ છૂટાછેડા લઈ લીધેલ હતાં, અને ત્યારબાદ બેનાબેન નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતાં. જે બાદ તેઓ સાથે રહેતાં હતાં. ગઈકાલે તેની માતા ઘરને તાળુ મારી બજારમાં ગયાં હતાં ત્યારે ઘરે આવેલા પ્રીતમે ઘરના દરવાજે તાળું મારેલું જોઈ મકાનની દિવાલ ઠેકી અંદર જઇ ઉપરના માળે રૂમમાં અગમ્ય કારણોસર પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. જે બાદ બહારથી આવેલ તેની માતાએ રૂમ ખોલતાં પુત્ર લટકતો હતો જે જોઈ માતાએ આક્રંદ મચાવતા આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. આપઘાતના બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું જેથી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અશોક ઉર્ફે અશ્કો ઉર્ફે હરસુખ વાઘેલા અને અજય ઉર્ફે બોળીયો ઝાપડીયાની ધરપકડ કરી 5.96 લાખનો મુદ્દમાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ રાજકોટ જિલ્લામાં અલગ અલગ 20 જેટલા ગુના આચરેલ હોવાની કબૂલાત આપી છે. ત્યારે વધુ કોઈ ગુના આચરેલ છે કે કેમ તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
બેકાબુ કાર આઈસરમાં ઘુસી જતા એકનું મોત
રાજકોટ મોરબી રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસે બેડી ગામમાં રહેતાં કિરણભાઈ રામજીભાઈ મોરડીયા (ઉ.વ.26) અને તેના પિતરાઇ ભાઈ ઋત્વિક વિનોદભાઈ પરમાર (ઉ.વ.21) ગત તા.31 ના પોતાના ઘરેથી બહાર ચા પીવા માટે કારમાં સવાર થઈ નીકળ્યા હતાં ત્યારે બેડી સ્મશાન પાસે પહોંચતા કિરણે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર આગળ ઉભેલ આઈસરમાં ઘુસી ગઈ હતી. જેમાં બંને યુવકોને ગંભીર ઇજા પહોંચતા એકઠાં થયેલ લોકોએ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જે બાદ બંન્ને યુવકોની તબિયત સુધરતાં રજા આપવામાં આવી હતી. જે બાદ કિરણની ફરી તબિયત લથડતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ બીજીવાર સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતક આર.ઓ. ફિલ્ટર પાણીનો પ્લાન્ટ ચલાવતો હતો અને બે ભાઈ એક બહેનમાં મોટો તેમજ અપરિણીત હતો.
ચોરાઉ બાઈક સાથે બેની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ દ્વારા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહેન્દ્ર ઉર્ફે મયુર સોલંકી અને શાંતિલાલ ઉર્ફે સની ધોળકિયાની ધરપકડ કરી ચાર મોટરસાયકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી પૈકી શાંતિલાલ ઉર્ફે સન્ની એ શાપર વેરાવળ ખાતેથી બે તેમજ ગોંડલ અને લોધીકા વિસ્તારમાંથી એક એક બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી છે.
ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 4 શખ્સો ઝબ્બે
રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડધરી શહેરના પારસ સોસાયટી ખાતે ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ધવલ ઉર્ફે શિવ વડનગરા, ભેરૂસિંહ મીણા, અકરમ જરગેલા અને કિશનલાલ મીણાની ધરપકડ કરી અલગ અલગ બ્રાન્ડની કુલ 516 નંગ વિદેશી દારૂની બોટલ સહીત કુલ 7.36 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ દારૂનો જથ્થો ક્યાંથી લઇ કોને આપવાના હતા સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
પતિએ સવારે ઉઠીને રૂમમાં જોયુ તો પત્ની લટકતી હતી
રાજકોટ શહેરના સંતકબીર રોડ પર કનકનગર 2માં રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના વતની રેણુબેન પુજારીભાઈ શાહની (ઉ.વ.22) એ ગત મોડી રાતે પોતાના ઘરે પંખાના હુકમા ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાજુમાં રસોડામાં સુતેલો તેનો પતિ સવારે ઉઠીને રૂમમાં જોયુ તો પત્ની લટકતી જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. બનાવની જાણ થતાં આસ-પાસના લોકો એકઠા થયા હતાં. અને પોલીસને જાણ કરતાં બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 8 માસ પૂર્વે જ તેના લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન કોઈ સંતાન ન હતું. પરિણાતાના આપઘાતનું કારણ તેનો પતિ પણ જાણતો ન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.