રાજકોટમાં મેયરના જ વોર્ડ નં.12માં ત્રણ દિવસ પહેલા દૂષિત પાણી વિતરણને લઇને 50થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થયા હતા. ત્યારે હવે વોર્ડ નં.17માં પણ દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને રસ્તા પર ઉતરી આવી વિરોધ કર્યો હતો. ગટરનું પાણી પીવાના પાણીમાં ભળ્યાનો સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા.
ગટરના પાણી બોરમાં પણ ભળ્યાનો આક્ષેપ
આજે વોર્ડ નંબર 17માં રહેતા લોકોએ જાહેર રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. જેમાં ડ્રેનેજનાં પાણી બોરમાં ભળતા દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ડ્રેનેજ શાખાની બેદરકારીને કારણે આ વિસ્તારનાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ આ વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું હતું. સાથે જ આ મામલે ત્વરિત કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી.
વોર્ડ નં.12માં પાણીના નમૂના ફેલ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી મેયર વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો પ્રશ્ન હતો. જેમાં 50 કરતા વધુ લોકોને ઝાડા ઉલટી થયા હતા. આ મામલે વોર્ડ 12નાં પાણીનાં નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના ફેલ જતા તેમાંથી બેક્ટરિયા મળી આવ્યા હતા. આ અંગે ડ્રેનેજની લાઈન તૂટયા બાદ પ્રશ્ન ઉભો થયો હોવાનું ખુદ મેયરે સ્વીકાર્યું હતું. અને આવી ઘટના ફરીથી ન બને તે માટે એલર્ટ રહેવાની સૂચના ડ્રેનેજ વિભાગને આપી હતી. ત્યારે આજે ફરી વોર્ડ નંબર 17માં ખરાબ પાણીનો મુદ્દો સામે આવ્યો છે. જેમાં પણ ડ્રેનેજનાં પાણી ભળી જવાનો આરોપ લાગતા ડ્રેનેજ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.