રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે 12 વાગ્યે મળી હતી. જેમાં 66 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જોકે આ તમામ દરખાસ્તો પૈકી એક દરખાસ્ત કોરોના સમયની છે જેમાં બે કરોડના ખર્ચને આજે બેઠકમાં મંજૂરી મળતા કુતુહલ સર્જાયું છે.
રખડતા ઢોર માટે ગ્રાન્ટ ફાળવવા માંગણી
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. સ્ટન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 66 જેટલી દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્ય સહિતનાઓએ તમામ દરખાસ્તને લીલી ઝંડી આપી હતી. આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોના કાળ સમયમાં ખરીદ કરવામાં આવેલા સાધનો પૈકી બે કરોડના સાધન ખરીદીના બિલને મંજૂરી આપવામાં આવી હતી. તો સાથે જ ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોકાર્પણ અને ખાતમુર્હત સહિતના કાર્યક્રમો અંતર્ગત થનાર 54 લાખના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. તો સાથે જ રખડતા ઢોર માટે સરકાર પાસે વધુ ગ્રાન્ટ ફાળવવા બાબતે પણ માંગણી મૂકવામાં આવી છે.
એક જ ઝાટકે મંજૂરી મળી જાય છે
નોંધનીય છે કે રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીમાં બેથી ત્રણ વર્ષ જૂના કાર્યક્રમો અને ખર્ચાઓના બિલ અચાનકથી મુકાય જાય છે અને મંજૂર પણ થઈ જાય છે. શહેરમાં જ્યારે પણ કોઇ આવા શંકાસ્પદ ખર્ચાઓ થાય છે ત્યારે સીધા બિલ મૂકવાને બદલે ‘વહીવટી પૂર્તતા’ કરવાનો આગ્રહ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર પર પણ રાખતા હોય છે. જરૂરી કાગળો પૂરા કર્યા બાદ જ આવા બિલ મૂકવામાં આવે છે અને પછી એક જ ઝાટકે મંજૂરી મળી જાય છે. આવું જ ફરી બન્યું છે. કોરોના સમયે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ઊભી કરાઈ હતી તે હોસ્પિટલમાં જે ઈલેક્ટ્રિક કામ કરાયું હતું તેનું બિલ હવે છેક સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયું છે. આ બિલ અન્ય દરખાસ્તોની જેમ સુપેરે પાર પડી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.