રાજકોટના સાંસ્કૃતિક લોકમેળામાં યાંત્રિક રાઈડની હરાજીમાં તંત્ર અને રાઈડ સંચાલકો વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહેતા ત્રીજા દિવસે કોકડું ગૂંચવાયેલું છે અને હવે મામલો જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો છે. આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે,હાલ મેળાની યાંત્રિક રાઈડ્સના સંચાલકોએ ટીકીટનો વધારો માંગેલ હોય જે રૂા.20 અને 30ની ટીકીટના 50-60 કરવાનો આ વધારો કોઈપણ સંજોગોમાં આપી શકાય તેમ નથી જોકે આ મુદ્દે લોકો પર આર્થિક ભારણ ન આવે તે રીતને નિર્ણય લેવામાં આવશે. તેમજ લોકમેળાના નામકરણ માટે 700થી વધુ અરજીઓ લોકમેળા સમિતિ પાસે આવેલ છે. આવતા સપ્તાહે લોકમેળાનું નામકરણ કરી દેવાશે.
લોકોને પોતાની કલા રજુ કરવાની તક મળશે
રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.17 ઓગષ્ટથી પાંચ દિવસ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં આ વખતે મુખ્ય સ્ટેજ ઉપરાંત ‘પબ્લીક પફોર્મન્સ’ સ્ટેજ પણ રાખવામાં આવશે તેમ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યુ હતું કે આ પબ્લીક પફોર્મન્સ સ્ટેજ ઉપરથી લોકોને પોતાની કલા રજુ કરવાની તક મળશે.
પફોર્મન્સ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવશે
લોકમેળા દરમ્યાન મુખ્ય સ્ટેજ ઉપરથી દરરોજ રાત્રીના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવે છે ભાતીગળ લોકમેળાને મહાલવા આવતા લોકો પોતાની કલા આ લોકમેળાના મુખ્ય સ્ટેજ ઉપરથી રજુ કરી શકતા નથી. આ સંજોગોમાં આ વખતે લોકો પોતાનામાં રહેલ હાસ્યરસ, મિમિક્રી જેવા કલાઓ મેળામાં રજુ કરી શકે તે માટે આ વખતે સૌ પ્રથમવાર અલગથી પફોર્મન્સ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવશે.
વેક્સિનના બે ડોઝ લઇને મેળામાં આવવા લોકોને અપીલ
આ ઉપરાંત લોકમેળામાં આ વખતે બાળકો માટે ટોયવાન રખાશે. તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીઆરડીએલ ઉદ્યોગ માટે ઈન્ડેક્ષ-બી સહિતના સ્ટોલો રહેશે. જેના પરથી લોકોને જરૂરી જાણકારી મળી રહેશે. આ સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં સામાજીક સંસ્થાઓ માટે 26 જેટલા સ્ટોલોની આયોજન કરવામાં આવેલ હતું પરંતુ સામાજીક સંસ્થા સ્ટોલો મેળવવામાં નિરસ રહી છે. માત્ર છ જેટલી સંસ્થાઓને સ્ટોલ ફાળવવામાં આવેલ છે.આ ઉપરાંત કલેકટરે વેક્સિનના બે ડોઝ લઇને, માસ્ક સાથે મેળામાં આવવા લોકોને અપીલ કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.