‘નારી તું નારાયણી’નું શ્રેષ્ઠ દૃષ્ટાંત:રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં પતિનું મોત થતા પત્નીએ એમ્બ્યુલન્સ ખરીદી, ડ્રાઇવર રાખી રાહતદરે દર્દીઓને પહોંચાડે છે હોસ્પિટલ-ઘર સુધી

રાજકોટ24 દિવસ પહેલા
સંગીતાબેન રાહતદરે લોકોને એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડે છે

રાજકોટના સંગીતાબેન શાહ ‘નારી તું નારાયણી’નું શ્રેષ્ઠ દૃષ્ટાંત બન્યા છે. સંગીતાબેનના પતિ હરેશભાઈ કોરોનાની બીજી લહેરમાં કોરોનામાં અવસાન પામ્યા હતા. પતિના અવસાન પછી સંગીતાબેને એક સંકલ્પ કર્યો હતો કે, હવે મારે લોકોની સેવા કરવી છે. આથી મેડિકલ સારવાર લોકોને સમયસર મળી રહે તે માટે તેઓએ એક એમ્બ્યુલન્સ ખરીદી અને ડ્રાઇવર પણ રાખ્યો. છેલ્લા એક વર્ષથી રાહતદરે દર્દીઓને એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલ અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

સંગીતાબેન ઝુપડપટ્ટીમાં જઈ લોકોને પણ જમાડે છે
રાજકોટના વતની સંગીતાબેન શાહે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2021માં મારા પતિ હરેશભાઈનું કોરોનામાં અવસાન થયું હતું. એ સમયે રાજકોટમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા હતા. ઘણા લોકો કોરોનામાં અવાન પામ્યા હતા. પછી વિચાર આવ્યો કે, રાહત દરે એમ્બ્યુલન્સ શરૂ કરીએ. એમ્બ્યુલન્સ લીધાને એક વર્ષ જેવું થઈ ગયું છે. આ સિવાય હું બીજી ઘણી સેવા કરું છું. ગરીબો, ઝુપડપટ્ટીમાં જઈને લોકોને જમાડું છું. રોજ ગાયોને ઘાસચારો પણ ખવડાવું છું, આ કરવું મને ગમે છે. એમ્બ્યુલન્સ લેવાનો હેતુ એટલો જ છે કે ગરીબ લોકો હેરાન ન થાય અને તેને સરળતાથી સેવા મળી શકે.

દર્દીઓને સમયસર હોસ્પિટલ કે સારવાર બાદ ઘર સુધી પહોંચાડે છે.
દર્દીઓને સમયસર હોસ્પિટલ કે સારવાર બાદ ઘર સુધી પહોંચાડે છે.

એમ્બ્યુલન્સમાં જ પોતાના નંબર લખાવ્યા છે
સંગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો એવા છે કે, પોતાનું સ્વજન બીમાર હોય ત્યારે વાહન માટે પણ પૈસા ખર્ચી શકતા નથી. તેના માટે આપણે રાહતદરે એમ્બ્યુલન્સ આપીએ છીએ. મારો ફોન નંબર એમ્બ્યુલન્સમાં છે તેમાં સંપર્ક કરી શકો છો. જોકે, એકબીજાને વાયા વાયા મારો નંબર મળી જાય છે. કોઈ પણ દર્દી દુખી ન થાય તે માટે અમે પૂરી રીતે તૈયાર છીએ. જો દર્દીઓના ફોન વધી જશે તો બીજી એમ્બ્યુલન્સ પણ લઈશું.

એમ્બ્યુલન્સમાં પોતાના પતિનો ફોટો લગાવ્યો છે.
એમ્બ્યુલન્સમાં પોતાના પતિનો ફોટો લગાવ્યો છે.

નેપાળ સુધી એમ્બ્યુલન્સની સેવા આપી ચૂક્યા છે
સંગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા મેં એમ્બ્યુલન્સ ખરીદી હતી. ડ્રાઇવર રાખી એક વર્ષથી રાહત દરે એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો હેરાન ન થાય તે માટે ખાસ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. એક વર્ષમાં અમે રાજકોટ ઉપરાંત અમદાવાદ, મોરબી તેમજ રાજકોટ નજીકના ગામોમાં સેવા આપી છે. એટલું જ નહીં એક વખત નેપાળ સુધી દર્દીને પહોંચાડવા સેવા આપી હતી.

એમ્બ્યુલન્સમાં તમામ સુવિધાઓની વ્યવસ્થા.
એમ્બ્યુલન્સમાં તમામ સુવિધાઓની વ્યવસ્થા.

મારા પતિ ઈન્સ્યોરન્સ એક્ઝિક્યુટીવ હતા
સંગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિ ઈન્સ્યોરન્સ એક્ઝિક્યુટીવ હતા અને તેમને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. આ સાથે જ તેમને કોરોના થતા તેમનું અવસાન થયું હતું. આગામી સમયમાં જો ભારતમાં કોરોનાના કેસ જોવા મળશે તો જરૂર પડ્યે બીજી એમ્બ્યુલન્સ પણ ખરીદીશું અને લોકોની સેવા માટે અમે ખડેપગે રહેશું.

એમ્બ્યુલન્સ પર જ નંબર લખવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સ પર જ નંબર લખવામાં આવ્યા છે.

બીજી એમ્બ્યુલન્સ ખરીદવા તૈયારી દાખવી
વર્ષ 2021માં કોરોનાની ઘાતક બીજી લહેર દરમિયાન હરેશભાઈ શાહને કોરોના થયો હતો. બીજી લહેર દરમિયાન અનેક લોકોના અવસાન પણ થયા હતા અને તેમાં હરેશભાઈનું પણ કોરોનામાં અવસાન થયું હતું. ફરી કોરોનાના કેસ શરૂ થતા સંગીતાબેને રાહત દરે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે અને જો કેસ વધે તો બીજી એમ્બ્યુલન્સ પણ ખરીદવા તૈયારી દાખવી છે.

અન્ય સમાચારો પણ છે...