આતશબાજી રદ:રેલીઓમાં ટોળાં કર્યા બાદ શાન આવી કે કોરોના છે,​​​​​​​ ટોળાં ન જ થવા જોઈએ છતાં કાર્યક્રમોમાં આ બધા જ નિયમો નેવે મુકાય

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપા આ વર્ષે પણ આતશબાજીનું આયોજન નહીં કરે : મેયર, ચેરમેન

રાજકોટમાં બીજી લહેર બાદ રાજકીય કાર્યક્રમોની વણજાર થઈ હતી. એક બે નહિ પણ ત્રણ ત્રણ જન આશીર્વાદ યાત્રાઓ નીકળી. સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ સરઘસ નીકળ્યા. અત્યારે મનપામાં ખાતમુહૂર્તની સિઝન હોય તેમ નાના મોટા કામોમાં ખાતમુહૂર્ત કરવા માટે ટોળાં થઈ રહ્યા છે.

આ બધી જ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમની ધજ્જિયા ઊડી રહી છે. ત્યારે કોરોના સામે વેક્સિનેશનનું પ્રમાણ વધ્યું તેથી ચિંતા નથી તેવી બહાનેબાજી કરી કાર્યક્રમો થઈ જાય પણ જ્યારે લોકોને ઉજવણી કરવાની આવે ત્યારે આ જ રાજકીય કાર્યક્રમો યોજનારાઓ તરફથી કોરોના નથી ગયો તેવા મુદ્દા ધરી દેવાય છે અને તેવા જ મુદ્દે મનપાએ આ દિવાળીએ પણ દર વર્ષે ધનતેરસે થતી આતશબાજી રદ કરી છે. મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તેમજ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશ પીપળિયાએ એક સંયુક્ત યાદી જાહેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘હાલમાં કોરોના સંપૂર્ણ નાબૂદ થયેલ નથી.

તેમજ આતશબાજીમાં શહેરીજનો, બાળકો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. જેના કારણે કોઈ જોખમ ઊભું ન થાય તેવા શુભ આશયથી ચાલુ વર્ષે દિવાળી તહેવારના અનુસંધાને આતશબાજી યોજવામાં આવનાર નથી.’ ટોળાં હાલની સ્થિતિએ ક્યાંય થવા જ ન જોઈએ પણ સત્તાધીશો આ ટોળાં કરવામાં જ્યારે બેવડા ધોરણો અપનાવી પોતાના કાર્યક્રમો પાર પાડી લીધા બાદ પ્રતિબંધો લાદવા માટે પ્રજાની ચિંતા થતી હોવાના બહાના નીકળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...