રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબર 1800 123 1973 પર શહેરીજનોની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેમાં ફરિયાદનું નિરાકરણ થયા બાદ લોકોના ફીડેબક પણ લેવામાં આવે છે. ત્યારે સિટિઝન ફીડબેક સિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નિર્ણય લીધો છે. જેમાં કમિશનર દ્વારા સીનિયર અધિકારીઓને એક વિશેષ જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા અનુસાર હવે ફરિયાદ દાખલ થયા બાદ મનપાના ક્લાસ -1 અથવા ક્લાસ - 2 ઓફિસર ફરિયાદીનો સંપર્ક કરશે અને ફરિયાદની સમીક્ષા કરશે. જેથી ફરિયાદનું તુરંત નિવારણ થઈ જાય.
ઓટીપી મેળવી શકાતો નથી
નોંધનીય છે કે ફરિયાદીએ રજુ કરેલી ફરિયાદ પર તંત્ર કામગીરી પૂર્ણ કરે એટલે ફરિયાદીના મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાનાં સંબંધિત અધિકારીએ જે તે ફરિયાદી પાસેથી આ ઓટીપી મેળવી મનપાની ઓનલાઈન સિસ્ટમમાં એન્ટ્રી કરવાની હોય છે. કોઈ કોઈ કિસ્સાઓમાં એવું પણ બન્યાનું જોવા મળ્યું છે કે, ફરિયાદનો નિકાલ થઇ ગયા બાદ અધિકારીઓને કોઈ ને કોઈ કારણસર ફરિયાદીનો સંપર્ક નહીં થઈ શકવાના કારણે ઓટીપી મેળવી શકાતો નથી.
સ્ટાફની કામગીરી વિશે ફીડબેક પણ મેળવી શકશે
એવા સંજોગોમાં સમયસંજોગો અનુસાર ઓટીપી વિના જ ઓનલાઈન એન્ટ્રી કરવાની ફરજ પડતી હોય છે. જેથી કમિશનર દ્વારા મનપાના ક્લાસ-1 અને ક્લાસ-2 કક્ષાના અધિકારીઓને એક વિશેષ જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ વરિષ્ઠ અધિકારીઓને ડર રેન્ડમલી કેટલીક ફરિયાદોની વિગતો આપવામાં આવશે. જેના આધારે તેઓ સ્થળ મુલાકાત અને ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદ નિવારણ માટે થયેલી કામગીરી વિશે વર્તમાન સ્ટેટસ જાણી શકશે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટાફની કામગીરી વિશે ફીડબેક પણ મેળવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.