તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાકાળ બની એવો ત્રાટક્યો છે કે ભલભલા ધંધાને કોરોનાની આભડછેટ લાગી ગઈ છે. અનેક ધંધાર્થીઓ સેહશરમ મૂકી મૂળ ધંધો સંકેલી કોઈપણ ધંધો કરી આત્મનિર્ભર બની રહ્યા છે. રાજકોટના એક ટ્યૂશન-સંચાલકની વાત કરીએ તો ક્લાસિસમાં આવક ન થતાં દોઢ લાખની લોનના હપતા માટે તેમણે પાણીપૂરીની લારી શરૂ કરી છે. એટલું જ નહીં, સાથી ગરીબ વિદ્યાર્થીને પણ કામે રાખી આત્મનિર્ભર બનાવ્યો છે.
પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવું છુંઃ શિક્ષક
શહેરના કુવાડવા રોડ પરના ટ્યૂશન-સંચાલક અને કોચિંગ ક્લાસીસ એસોસિયેશનના સભ્ય જય કારિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના હિત માટે સરકારની ગાઈડલાઈન્સ મુજબ, કોઈ વિદ્યાર્થી અભ્યાસ માટે આવતો નથી. M.com. બાદ છેલ્લાં પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવું છું. 2019માં ક્લાસ શરૂ કર્યા હતા. બે હાથ જોડીને સરકારને વિનંતી છે કે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવે. ઓનલાઈનમાં વિદ્યાર્થીઓને કંઈ સમજાતું નથી. મારા સાથી શિક્ષકમિત્રોને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી તો એ લોકોએ પણ કહ્યું, તમારે જરૂર હોય તો કહેજો, અમે ફ્રી જ છીએ. મારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાણીપૂરી ખાવા આવે છે.
25 હજારના ખર્ચ સામે આવક સાવ શૂન્ય થઈ ગઈ
માર્ચ 2020માં કોરોના વાઇરસ ફેલાવાથી લોકડાઉન આવતાં ક્લાસિસમાં જોડાયેલા લેક્ચર બેઇઝ કામ કરતા બે શિક્ષકને છૂટા કરવા પડ્યા હતા. આ સિવાય ક્લાસ શરૂ કરવા હોમ ક્રેડિટની 1 લાખની અને મંડળીમાંથી 50 હજારની લોન લીધી હતી, જેનો 7500 રૂપિયા મહિને હપતો શરૂ થયો. આવક બંધ અને હપતા ચાલુ થતાં ફાઇનાન્સમાંથી નવી 77,000ની લોન લીધી હતી. 25 હજારના ખર્ચ સામે આવક સાવ શૂન્ય થઈ ગઈ.
કશું વિચાર્યા વગર પાણીપૂરીનો ધંધો શરૂ કર્યો, રોજની 500નો વકરો
ટૂંકી મૂડીમાં કંઈક ખાણીપીણીનો ધંધો કરવાનો વિચાર હતો. કશું વિચાર્યા વગર પાણીપૂરીનો ધંધો શરૂ કર્યો. ક્લાસિસની બરોબર સામે જ કોઈ શરમ વગર લારી શરૂ કરી દીધી, જેમાં હાલ રોજનો 500 રૂપિયાનો વકરો થાય છે. શરૂઆતમાં બજાર જેવી પાણીપૂરી લોકોને આપવા માટે શું કરવું એ વિચારને લઈ સોશિયલ મીડિયાનો સહારો લીધો. પાંચ પ્રકારના પાણી બનાવવા માટે અલગ અલગ ફ્લેવરના પાઉડર ખરીદી કંઇ નવું આપવાનું શરૂ કર્યું.
શિક્ષક 4 હજારના પગારે પોતાના વિદ્યાર્થીને કામે રાખી આર્થિક સહાય પૂરી પાડે છે
શિક્ષકે પાણીપૂરીનો વ્યવસાય શરૂ કરવાની સાથે પોતાના જ વિદ્યાર્થીને પણ મદદ કરી. તેને પણ આત્મનિર્ભર બનાવી એક આવક શરૂ કરાવી. ધો.10ની પરીક્ષા આપી ચૂકેલા મોહિન ચૌહાણને કામ આપી એક આર્થિક મદદ કરી. મોહિને જણાવ્યું હતું કે પિતા મજૂરીકામ કરે છે. આવા સમયમાં ઘર ચલાવવું અને પરિવારને મદદરૂપ થવા આગળ અભ્યાસ કરવો નથી. સર જોડે જ ધંધો કરી કમાણી કરવી છે. હાલ દર મહિને મને 4 હજારનો પગાર મળી રહ્યો છે.
શિક્ષક શિક્ષણનો વ્યવસાય મૂકી અન્ય ધંધા તરફ વળી રહ્યો છે
શિક્ષક શિક્ષણનો વ્યવસાય મૂકી અન્ય ધંધા તરફ વળી રહ્યો છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. ફેડરેશન એકેડમી ઓફ ગુજરાત અને કોચિંગ ક્લાસ રાજકોટ જિલ્લાના પ્રમુખ પ્રકાશ કરમચંદાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં લગભગ 500 જેટલા ક્લાસિસ હશે. 250 જેટલા તો રજિસ્ટર મેમ્બર છે. શિક્ષક શિક્ષણનો વ્યવસાય મૂકી અન્ય ધંધા તરફ વળી રહ્યો છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. 10 મહિનાથી ક્લાસિસ બંધ છે, કોઈ જાતની આવક નથી. સરકારને એટલી જ વિનંતી છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓની સંમતિ છે છતાં ક્લાસિસ કેમ શરૂ કરવા દેવાતા નથી. અન્ય સ્થળે મેદની ભેગી થાય જ છે. મોટેરા સ્ટેડિયમમાં 50 હજારની મેદનીની છૂટ હોય તો અમારી એટલી જ વિનંતી છે કે 2-2 ફૂટના અંતરે 5થી 10 વિદ્યાર્થીને બોલાવી ભણતર શરૂ કરવા દો. હાલમાં બેંકના હપતા ભરાતા નથી, નથી પરિવારનું ગુજરાન ચાલતું, ખૂબ જ દયનીય સ્થિતિનું સર્જન થયું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.