ક્રૂરતાની હદ:વેચવાની ના પાડતા 3 શખ્સ ઘોડી ચોરી ગયા બાદ દોરડાથી બાંધી માર મારી મોતને ઘાટ ઉતારી દીધી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કુવાડવા GIDCનો બનાવ, પશુ રક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીને પોલીસે સકંજામાં લીધા

પાલતુ ઘોડી વેચવાની ના પાડતા ત્રણ શખ્સે તબેલામાંથી ચોરી કરી ઘોડીને માર મારી મોતને ઘાટ ઉતારતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કુવાડવા ગામે વેલનાથ સોસાયટીમાં રહેતા આબિદ મહમદભાઇ ભટ્ટી નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે કુવાડવા જીઆઇડીસીમાં મચ્છીનો વેપાર કરે છે અને બાજુમાં જ ઘોડાનો તબેલો છે. જેમાં એક સાત વર્ષની અને 16 મહિનાની બે ઘોડી અને એક વછેરો છે.

ગત તા.30ના રોજ જૈન લોકોનો તહેવાર હોય પોતાનો ધંધો બંધ રાખ્યો હતો. જેથી પોતે ગામમાં ઘરે હતા. તે સમયે એક ગ્રાહકે ફોન કરી તમારા તબેલામાંથી ત્રણ શખ્સ ઘોડીને દોરડું બાંધી બળજબરીથી મારતા મારતા લઇ જતા હોવાની જાણ કરતા પોતે ત્યાં દોડી ગયા હતા જ્યાં ઘોડી ગંભીર રીતે ઘવાઇ હોય તુરંત પશુના ડોક્ટરને બોલાવ્યા હતા. આ સમયે આ વિસ્તારમાં રહેતા લોકોએ કહ્યું કે, સાંજના છએક વાગ્યાના અરસામાં એક બોલેરો ગાડી તબેલા પાસે આવી હતી. પરંતુ ઘોડી બોલેરો પર ચડી ન હતી અને ત્યાંથી ભાગી ગઇ હતી.

થોડી વાર બાદ બે ટુ વ્હિલ પર આવેલા ત્રણ શખ્સ ઘોડીને દોરડાથી બાંધી મારતા મારતા લઇ જતા હતા. જ્યારે ઘોડી જમીન પર ફસડાઇ પડતા તે શખ્સો ભાગી ગયાનું જણાવ્યું હતું. જેથી પોતે નજીકના સીસીટીવી ચેક કરતા તબેલામાંથી ઘોડીને ચોરીને જતા અને માર મારનાર વિરાજ ભઠિયા ગમારા, વિરમ મુંધવાના બે દીકરા જોવા મળ્યા હતા. ઉપરોક્ત ત્રણેય શખ્સ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપમાં નોકરી કરતા હોવાની પોતાને જાણ છે. વિરાજ ગમારા ગત તા.28ના રોજ ઘોડી ખરીદવા માટે તબેલા પર આવ્યા હતા, પરંતુ પોતાને ઘોડી વેચવી ન હોવાની વાત કરી હતી.

દરમિયાન ગંભીર રીતે ઘવાયેલી ઘોડીએ દમ તોડતા કુવાડવા રોડ પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું હતું. બાદમાં પોલીસે પોતાની ફરિયાદ પરથી વિરાજ સહિત ત્રણેય શખ્સ સામે ગુનો નોંધ્યો હતો અને ત્રણેયને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

5 વર્ષ સુધીની સજા થઇ શકે
પાલતુ પશુની ચોરી કરવી અને તેને નુકસાન પહોંચાડવા બદલ દોષિત સાબિત થાય તો પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે તેમ એડવોકેટ ગૌતમ દવેએ જણાવ્યું છે. બનાવમાં પોલીસે આઇપીસી 380, 429, 114 અને 11(1)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. કોઇ પણ સ્થળેથી અબોલજીવની ચોરી કરી તેને મારી નાંખવા અંગે આઇપીસી 380, 429ની કલમ લાગે છે. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર અન્ય આરોપીની સંડોવણી હોય તો 114ની કલમ લાગે છે.

અન્ય સમાચારો પણ છે...