• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Petrol diesel, Now The Prices Of Vegetables Have Gone Up Unbearably, Tomatoes Have Crossed The Century, Rs 100 Per Kg, Housewives' Budget Has Been Disrupted.

મોંઘવારીનો માર:પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીમાં અસહ્ય ભાવવધારો,ટમેટાંએ સદી વટાવી,કિલોના 100 રૂપિયા,ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

રાજકોટએક મહિનો પહેલા
  • દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટશે : યાર્ડના ઇન્સ્પેક્ટર
  • ભાવ ઘટાડવામાં આવે તો લોકોને રાહત થાય : ગૃહિણી

દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં જે પ્રકારે ભાવનો વધારો થઇ રહ્યો છે. તેના પગલે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. શાકભાજી,દૂધ,કઠોળ સહિત સીંગતેલના ભાવો આસમાને પહોંચી જતાં ગૃહીણીઓના બજેટ પણ ખોરવાઇ ગયા છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે પરંતુ ચોમાસા બાદ હજુ શાકભાજીનું વાવેતર થઈ રહ્યું હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. રવિવારે રાજકોટમાં એક કિલો ટમેટાંનો ભાવ રૂ.100 બોલાયો હતો. જ્યારે યાર્ડમાં આ ટમેટાંનો ભાવ રૂ.70 થી 80 લેખે હરાજીમાં બોલાયો હતો.આવા સમયે નોકરિયાત કે મધ્યમ વર્ગ પોતાની મયૉદિત આવકમાં બે છેડા કઈ રીતે ભેગા કરે તે જ મોટો પ્રશ્ન છે.

દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટશે
આ અંગે યાર્ડના ઇન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, હજુ 15 દિવસ સુધી શાકભાજીના ભાવ ઊંચા રહશે. અંદાજિત દિવાળી બાદ શિયાળુ શાકભાજીની શરૂઆત થઈ જશે. આ સાથે જ શાકભાજીના ભાવ ઘટી જશે. હાલમાં જે શાકભાજી આવી રહ્યું છે એ રાજકોટ ઉપરાંત આજુબાજુના શહેરો અને બીજા રાજ્યમાંથી આવતું હોવા છતાં પણ આવક ઓછી છે જ્યારે શિયાળુ શાકભાજી શરૂ થતાં સ્થાનિક શાકભાજીની આવક જ એટલી હશે કે એ અહીંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવશે.

કોઈ સદસ્ય બીમાર વ્યક્તિ હોય તો કઈ રીતે મેનેજ કરવું : ગૃહિણી
કોઈ સદસ્ય બીમાર વ્યક્તિ હોય તો કઈ રીતે મેનેજ કરવું : ગૃહિણી

ભાવ ઘટાડવામાં આવે તો લોકોને રાહત થાય : ગૃહિણી
આ અંગે ગૃહિણીએ જણાવ્યું હતું કે, ભાવ વધવાથી વ્યક્તિના ખોરાક પર અસર નહીં થાય, પરંતુ ખિસ્સા પર અસર થતી હોવાથી તેઓની જીવનશૈલીમાં થોડાં પરિવર્તન આવી રહ્યા છે. ઘરમાં કમનાર એક છે ખાનાર દસ હોય અને તેમાંય કોઈ સદસ્ય બીમાર વ્યક્તિ હોય તો કઈ રીતે મેનેજ કરવું. અમે તો અત્યારે કઠોળ તરફ વળી ગયા છીએ. શાકભાજીના ભાવો ઘટાડવામાં આવે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત થાય.

ગુવાર, ગાજર સહિતની શાકભાજી રૂપિયા 30ની 250 વેચાઇ
ગઇકાલ બાદ આજે સવારે રાજકોટની સ્થાનિક શાકબજારોમાં વિવિધ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગુવાર, ગલકા, ગીસોડા, ટમેટા, કોબીજ, રીંગણા, ફલાવર, ટીંડોળા, કારેલા, સરગવો સહિતની શાકભાજીના ભાવો સ્થાનિક બજારોમાં 250 ગ્રામના 30 લેખે વેચાઇ હતી. તો બીજી તરફ લીંબુ, સુકી ડુંગળીના ભાવોમાં પણ વધારો થયો છે.

વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે
એક સમય હતો જ્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં શાકભાજીના ભાવ મળતા નહોતા જેને કારણે તેઓ યાર્ડ સુધી શાકભાજી લાવવાનું ટાળતા હતા અને મૂંગા પશુઓને ખવડાવી દેતા હતા તેના બદલે હવે અત્યારે તેઓને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જ્યારે સામાન્ય લોકોને ઊંચા ભાવ ચૂકવીને શાકભાજી ખરીદવા પડતા તેઓને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ- ડીઝલ, તેલ બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ગણી શકાય તે શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે.