લીંબુ બાદ હવે ટમેટા લોકોને ખાટા લાગશે:પરપ્રાંતના ટામેટાની આવક ઘટતાં તકસાધુ નફાખોરો સક્રિય થયા, કિલોના ભાવ રૂપિયા 100એ અથડાયા !

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કારમી મોંઘવારી વચ્ચે ટમેટાના ભાવે રસોડાની રાણીને રડાવવાનું શરૂ કર્યું

લીંબુની જેમ હવે લાલચટ્ટાક ટમેટાના ભાવે તેજીની વણથંભી આગેકૂચ આદરી હોય તે રીતે બજારમાં પ્રતિ એક કિલો ટમેટાનો ભાવ રૂ.100 કે તેથી પણ ઊંચી સપાટીએ અથડાઇ જતા કારમી મોંઘવારી વચ્ચે રસોડાની રાણીમાં દેકારો મચી જવા પામ્યો છે.

જથ્થાબંધ ટમેટાના ભાવ કરતા છૂટકના બજારમાં ભાવ ડબલ
માર્કેટિંગ મથકમાં હાલ પરપ્રાંતની ટમેટાની આવકો ખૂબ જ ઘટી ગઇ છે, ત્યારે જથ્થાબંધ બજારમાં ટમેટાના ભાવ પ્રતિ કિલોએ રૂ.50એ પહોંચી ગયા છે, ત્યારે નફાખોરી વચ્ચે છૂટક બજારમાં ટમેટા સો રૂપિયે વેચાવાનું શરૂ થયું છે ! ટોચના વેપારીઓ-જાણકારોના મતે હજુ એક મહિના સુધી જ્યાં સુધી નવી પરપ્રાંત તેમજ સ્થાનિક સ્તરે વધુ આવકો શરૂ નહીં થાય ત્યાં સુધી આવી જ પરિસ્થિતિ રહેશે તેવી ધારણા છે.

ટમેટાની આવકમાં ઘટાડો થતાં ભાવ આશમાને
રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સાલ બન્યું એવું છે કે, બેંગલોરમાં વરસાદ પડતા ત્યાં ટમેટાની વાવેતરને લઇને પ્રશ્નો સર્જાયા છે. તો બીજી તરફ આ સમયે બેંગલોરથી જે ટમેટા આવતા હોય છે તે હાલ નથી આવી રહ્યા.આ પ્રકારની સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર અને લોકલ ગુજરાત એટલે કે, મહિસાગર અને તારાપુર ક્ષેત્રમાંથી આવતા ટમેટાની આવકોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે જ છેલ્લા ત્રણેક દિવસથી ટમેટાની જથ્થાબંધ માર્કેટમાં સડસડાટ ભાવ વધારો થવા લાગતા હાલ પ્રતિ કિલોમાં રૂ.50 કે તેથી પણ ઊંચા ભાવ બોલાવા લાગ્યા છે. છૂટક સ્તરે સારી ક્વોલિટીના ટમેટા પ્રતિ કિલો રૂ.100ના ભાવે વેચાઇ રહ્યા છે.

મહારાષ્ટ્રના ટમેટાના ભાવ ઊંચકાયા
રાજકોટમાં હાલ મહારાષ્ટ્ર તેમજ સ્થાનિક સ્તરે તારાપુર, ખેડા તથા મહિસાગર પંથકમાંથી ટમેટાની આવકો થઇ રહી છે. બેંગલોરમાં વરસાદની સ્થિતિ વચ્ચે ત્યાં ટમેટાનો પાક ઓછો હોવાનું તારણ સામે આવી રહ્યું છે. દરમિયાન બેંગલોરમાં ટમેટાની માગ વધતા મહારાષ્ટ્રમાંથી ખરીદી શરૂ થતા મહારાષ્ટ્રના ટમેટાના ભાવ ઊંચકાયા છે.

ટમેટાના ભાવ વધતા ડિમાન્ડ ઘટી ગઇ
માર્કેટિંગ યાર્ડના ટમેટાના વ્યવસાયિક સૂત્રોએ જણાવ્યું હતું કે, ટમેટાના ભાવ સડસડાટ વધવા લાગતા એકંદરે ડિમાન્ડ ઓછી થવા લાગી હોય તેવો માહોલ છે. છેલ્લા બે દિવસથી ખરીદીમાં ઓટ દેખાઇ છે. જથ્થાબંધમાં ટમેટા ખરીદી કર્યા બાદ ટમેટા બગડી જવાની વધતી ફરિયાદો વચ્ચે ટોચના વેપારીઓ દ્વારા જથ્થાબંધ માર્કેટમાંથી ખરીદી કરવાનું પ્રમાણ ઘટી ગયું છે.