ભાસ્કર વિશેષ:કોરોના પછી ચોપડાપૂજનની પરંપરા વધી, 3000થી વધુ ચોપડાના એક મહિના પહેલા ઓર્ડર અપાઈ ગયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂ.150થી 2 હજારની કિંમતના ચોપડાની ખરીદી, ગત વર્ષ કરતા ખરીદીમાં 50%નો વધારો

દિવાળીના તહેવારમાં પેઢી-ઔદ્યોગિક એકમોમાં ચોપડાપૂજન થતું હોય છે, પરંતુ કોરોના બાદ ચોપડાપૂજનની પરંપરામાં વધારો થયો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. દિવાળી પર્વ નિમિત્તે રાજકોટમાં સામાન્ય રીતે 5 હજારથી વધુ ચોપડાની ખરીદી થાય છે. ગત વર્ષે ચોપડામાં જે ખરીદી થઈ હતી તેના કરતા આ વખતે 50 ટકા વધુ છે. ચોપડાપૂજન માટે એક મહિના પહેલા આખા રાજકોટમાં અંદાજિત 1500થી વધુ ચોપડાનું એડવાન્સ બુકિંગ થયું છે. તેમ ચોપડાના વેપારી અમિતભાઈ પાઉ જણાવે છે.

વધુમાં તેના જણાવ્યાનુસાર કોરોના બાદ જે નાની- નાની પેઢી હતી તેમાં પણ ચોપડાપૂજન કરવાનું મહત્ત્વ વધ્યું છે. સામાન્ય રીતે કરિયાણા-શાકભાજીના વેપારી, કપડાં, મોબાઈલ, ઈલેક્ટ્રોનિકના વેપારી, બિલ્ડર, સોની વેપારી, ઔદ્યોગિક એકમોમાં ચોપડાપૂજન થતું હોય છે. જોકે કોર્પોરેટ કંપનીમાં ચોપડાપૂજનની પરંપરા જોવા મળતી નથી. જ્યારે જે સ્થાનિક પેઢી સમય જતા ઔદ્યોગિક એકમ કે કોર્પોરેટ કંપનીમાં પરિવર્તિત થઇ હોય તેમાં આજે પણ હજુ પરંપરા યથાવત્ છે.

ચોપડા ખરીદી-ઓર્ડર આપવા માટેના શુભ મુહૂર્ત
28 ઓક્ટોબર ગુરુવારે આસો વદ 7ના રોજ ગુરુપુષ્યામૃત યોગ છે. જેનો પ્રારંભ સવારે 9.42 કલાકથી થાય છે. જેમાં સવારમાં 6.50 થી 8.15 સુધી શુભ ચોઘડિયું અને ચલ ચોઘડિયું સવારે 11.05થી બપોરના 12.30 સુધી છે. જ્યારે બપોરના 12.30 થી 3.21 સુધી લાભ, અમૃત ચોઘડિયું છે. સાંજના ચોઘડિયા 4.37 થી 6.12 સુધી શુભ છે. રાત્રિના ચોઘડિયા સાંજે 6.12 થી 9.21 સુધી અમૃત અને ચલ છે.

ચોપડાપૂજનથી સરસ્વતી, મહાકાળી અને લક્ષ્મીપૂજન થાય છે
ધનતેરસના દિવસે ઘરે ધન-સોનું, દાગીના હોય તેની પૂજા થતી હોય છે. જ્યારે ચોપડાપૂજન વેપાર અને ધંધાના સ્થળે લક્ષ્મીજીની કૃપા થાય અને કાયમી સ્થિર રહે તેવા શુભ આશયથી કરવામાં આવે છે. ચોપડાપૂજન પૂરું થયા બાદ લક્ષ લાભ, લાભ સવાયા એમ બોલવામાં આવે છે. અર્થાત આવતા વર્ષથી ધંધો સવાયો થાય અને લક્ષ્મીજી, સરસ્વતી અને મહાકાળી માતાના કાયમી આશીર્વાદ રહે. ચોપડા પૂજનમાં લક્ષ્મીજી, સરસ્વતી અને મહાકાળીનું પૂજન થાય છે. - રાજદીપ જોશી, શાસ્ત્રીજી

અન્ય સમાચારો પણ છે...