કોરોનામાં માસ્ક એ સુરક્ષા માટેનું કવચ બન્યું છે. તેની સાથે સાથે રોજગારીનું માધ્યમ પણ બન્યું છે. કોરોના બાદ રાજકોટ શહેરમાં એન 95 માસ્ક બનાવવાના મશીનો પણ બન્યા છે તો બીજી તરફ સખી મંડળ અને ઘરે રહીને કામ કરતી બહેનો માટે એક લઘુઉદ્યોગ પણ બની રહ્યો છે. કોરોના બાદ રાજકોટ જિલ્લામાં 150 થી વધુ પરિવાર માસ્ક બનાવવાના વ્યવસાય સાથે જોડાઈને પગભર બની રહ્યા છે.
એક બહેન રોજના 100 થી 500 માસ્ક બનાવે છે. રાજકોટમાં બનેલા માસ્ક દિલ્હી સુધી પહોંચ્યા છે.રાજકોટમાં એન 95 માસ્ક બનાવવાના મશીન બન્યા છે. જે અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ થયા છે. ગત માર્ચ માસમાં કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારે એન 95 માસ્કની ડિમાન્ડ બહુ નીકળી હતી.
સામાન્ય રીતે આ પ્રકારના મશીન પહેલા ચીનમાં જ બનતા હતા, પરંતુ ત્યાંથી ડિલિવરી નહિ મળવાથી નાણાં વધુ ચૂકવવા પડતા હોવાથી રાજકોટના અનેક ઉદ્યોગકારોએ એન 95 માસ્ક બનાવીને ચીનની મોનોપોલી પણ તોડી નાખી છે.
રાજકોટની બહેનો દરેક ચેલેન્જ સ્વીકારતી થઈ ગઇ છે
કોરોનાની મહામારીની શરૂઆત થઇ ત્યારે અનેક પરિવારની રોજગારી છીનવાઈ તેવા સમયે રાજકોટ જિલ્લાની વિવિધ સખી મંડળોની બહેનઓએ આફતને અવસરમાં પલ્ટાવી. આ પડકારજનક તબક્કાને પસાર કર્યા બાદ બહેનોમાં મોટું પરિવર્તન આવ્યું. બહેનો દરેક પ્રકારની ચેલેન્જ સ્વીકારતી થઇ ગઇ છે.શરૂઆતમાં માર્ગદર્શન આપવું પડતું હતું, પરંતુ હવે તો દરેક બહેનો પોતાની રીતે પગભર બની ગઇ છે.- વી.બી.બસિયા, જિલ્લા લાઈવલીહૂડ મેનેજર
માસ્ક માટે રોજની 40થી વધુ ઈન્કવાયરી આવી રહી છે
કોરોનાની બીજી લહેર શરૂ થતા ફરી પાછી માસ્કની ડિમાન્ડ નીકળી છે. રોજની 40 થી વધુ ઈન્કવાયરી અને ખરીદી થઈ રહી છે. શરૂઆતના તબક્કામાં એન 95 માસ્કની ડિમાન્ડ હતી, પરંતુ હાલમાં કોટનના માસ્ક અને થ્રી લેયર્સ માસ્કની વધુ ખરીદી થઈ રહી છે. તેમ મેડિકલના વેપારી કપિલભાઈ ભિમાણી જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.