તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોના બાદ લોકો રૂ.10 હજારથી 50 હજાર સુધીની રકમ હાથ પર રાખવા લાગ્યા, દૈનિક કેશ વિડ્રો રૂ.30 કરોડ થવા લાગ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના પહેલાં ATMમાંથી દૈનિક કેશ વિડ્રો રૂ.20 કરોડ થતા હતા
  • રાજકોટમાં કોરોના મહામારી બાદ ખર્ચ વધી જતાં અને આવક ઓછી થતાં લોકો રકમ ખાતામાંથી ઉપાડી ઘરમાં ઈમર્જન્સી ફંડ રાખવા લાગ્યા

કોરોનાની બીજી લહેર બાદ લોકોને સામાન્ય બજેટથી લઈને બેન્કિંગ વ્યવહાર પર અસર આવી છે. લોકડાઉનને કારણે આવક ઓછી થતી હતી અને બીજી તરફ મેડિકલ ખર્ચ આવી પડ્યો. આ સિવાય ઘર ખર્ચ તો રાબેતા મુજબ હતો, જેને કારણે રોકડની જરૂરિયાત ઊભી થઈ હતી. હોસ્પિટલમાં દાખલ થવાથી લઇને મેડિકલ ખર્ચને પહોંચી વળવા માટે લોકોએ પોતાના સેવિંગ અકાઉન્ટમાંથી બચતની રકમ ઉપાડી, એફડી તોડી અને ઉછીના ઉધારા કરીને નાણાકીય જરૂરિયાત પૂરી કરી.

એક વખત હેરાન થયા બાદ બીજી વખત હેરાન ન થવું પડે એ માટે અને હાલમાં આર્થિક સંકડામણ પણ છે. મેડિકલના બિલ ભરવા, બાળકોની સ્કૂલ ફી ભરવા અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવા કોરોનાની બીજી લહેર બાદ હવે લોકો ખાતામાંથી રકમ વધુ ઉપાડી રહ્યા છે, જેનું પ્રમાણ રૂ.10 હજારથી લઇને રૂ. 50 હજાર સુધીનું છે. એકલા માત્ર એટીએમની ગણતરી કરીએ તો કોરોના બાદ રાજકોટના એટીએમમાંથી અંદાજિત રૂ. 30 કરોડની રકમ વિડ્રો થવા લાગી છે.

કોરોના પહેલાં એટીએમમાંથી દૈનિક વિડ્રો રૂ.20 કરોડનું હતું. રાજકોટમાં અંદાજિત ચારસો એટીએમ છે. એમાંથી 300 એટીએમમાં ટ્રાન્ઝેક્શન નિયમિત થાય છે. પહેલા એક એટીએમમાંથી અંદાજિત રૂ.7 લાખની રોકડ રકમ ઊપડતી હતી અને હવે આ રકમ દૈનિક અંદાજિત રૂ.10 લાખે પહોંચી છે. એટીએમ સિવાય મોટી રકમના વિડ્રો બેન્કમાંથી થઈ રહ્યા છે.

કોરોના બાદ બેન્કિંગક્ષેત્રમાં આવેલા પરિવર્તન

  • યુવા અને મહિલાઓમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે
  • એમ.એસ.એમ.ઈ. શાખામાં કોરોના પછી ઉદ્યોગપતિ અને વેપારી બેન્કમાં આવવાનું ટાળે છે અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે.
  • સ્થાનિક કક્ષાના વેપાર- ઉદ્યોગ માટે થતા ટ્રાન્ઝેક્શન 25 ટકા સુધી વધ્યા છે, જ્યારે વિદેશમાં જે વ્યવહારો થતા હતા એ પહેલાં કરતાં ઓછા થયા છે.
  • જ્યારે કોરોનાના કેસ વધુ હતા ત્યારે પાસબુક એન્ટ્રીનું કામકાજ બંધ હતું, હવે જ્યારે નોર્મલ પરિસ્થિતિ થઈ છે ત્યારે બેન્કમાં પાસબુક એન્ટ્રી માટે લાઈન લાગે છે.
  • બેન્ક અને એટીએમમાંથી 1થી 10 તારીખ સુધીમાં વધુ પૈસા ઊપડે છે.
  • પહેલાં એટીએમમાં એકાંતરા રોકડ ભરાતી હતી, હવે કેશ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધી જતાં દરરોજ અથવા તો દિવસમાં બે વાર એટીએમમાં રોકડ ભરવી પડે છે.

લોકો બચત ખાતાનું વ્યાજ જતું કરીને પૈસા ઉપાડવા લાગ્યા છે
એટીએમની સાથે-સાથે બેન્કમાંથી પણ રકમ ઉપાડે છે. આ પરિવર્તન કોરોનાની બીજી લહેર બાદ આવ્યું છે. લોકો પોતાના બચત ખાતાનું વ્યાજ જતું કરીને પણ પૈસા ઉપાડવા લાગ્યા છે. ખાસ કરીને નોકરિયાત વર્ગમાં કેશ વિડ્રોનું પ્રમાણ વધારે છે. લોકોમાં સુરક્ષા અને સલામતીને કારણે કેશ વિડ્રોનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે, એમ બેન્ક કર્મચારી ભાવેશ આચાર્ય જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...