ભાસ્કર એક્સક્લુઝિવ:કોરોના બાદ રાજકોટમાં બે વર્ષમાં 22363 જીએસટી નંબર રદ થયા, હવે નવા નંબર મેળવવા માટે 1 મહિનાનું વેઈટિંગ!

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોરોનાની બીજી લહેરમાં 567.26 કરોડની આવક વધારે થઇ, રૂ.50 કરોડથી વધુ રકમનું બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું

ધારા નગેવાડિયા કોરોનાની પહેલી અને બીજી લહેરમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના ઉદ્યોગો પ્રભાવિત થયા છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં એટલે 2020-2021 અને 2021-2022માં 22,363 નંબર રદ થયા છે. આ ગણતરીએ રોજના અંદાજિત 30થી વધુ નંબર રદ થયા હોવાનું તારણ નીકળે છે. જોકે 2020-21ની સરખામણીએ 2021-2022 માં એસજીએસટીમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના વેપાર- ઉદ્યોગ મારફતે થતી આવકમાં 68.88 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

2020-2021 માં રાજકોટ ડિવિઝન 10માં રૂ.1255.32 કરોડની આવક થઈ હતી. જ્યારે આ આવક 2021-2022 રૂ.1888.58 કરોડ હતી. આમ, 567.26 કરોડની આવક વધતા અંદાજિત 68.58 ટકાની વૃદ્ધિ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પછી જે કોઇ નવો નંબર મેળવે છે તેને એક મહિના સુધી રાહ જોવી પડતી હોવાની ફરિયાદ ઊઠી છે. અત્યારે રાજકોટ ડિવિઝનમાં સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીમાં કરદાતાઓ મળીને કુલ 1,08,589 ડીલર્સ નોંધાયા છે.

જોકે નવો નંબર મેળવવા માટે એક મહિના સુધી રાહ જોવી પડી રહી છે. ડેટા મિસ મેચ થતા અત્યારે 1 હજારથી વધુ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી રહી છે. જોકે છેલ્લા બે વર્ષમાં સૌરાષ્ટ્રમાં ઓઈલ મિલ, સિરામિક ઈન્ડસ્ટ્રીઝ, ઓટોમોબાઈલ- એન્જિનિયરિંગ સેક્ટર સહિત દરેક ક્ષેત્રમાં બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું છે. જેની કિંમત અંદાજિત રૂ.50 કરોડથી વધારે હોવાનું મનાઇ રહ્યું છે.

નવો નંબર મેળવવામાં આ મુશ્કેલી પડી રહી છે

 • 1 ટેક્નિકલ ક્ષતિ અથવા તો સર્વર સમસ્યા રહેવાને કારણે નંબર મેળવવા માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી લઇને સબમિટ કરવામાં અનેક મુશ્કેલી આવે છે.
 • 2 રહેણાક વિસ્તારમાં અથવા તો કોઈ એક શહેરમાં રહેતો વ્યક્તિ બીજા શહેરમાં પોતાનો વ્યવસાય શરૂ કરે તો કેવી રીતે બિઝનેસ કરશો તેની માહિતી મેળવવામાં આવે છે.
 • 3 એક વખત અરજી કરી દીધા પછી આગળની કાર્યવાહી શું થઇ તેની કોઈ જાણકારી અપાતી નથી. અરજી કર્યા બાદ સમયસર જવાબ મળતો નથી.
 • (નોંધ: વેપારી- ટેક્સ કન્સલ્ટન્ટ સાથે થયેલી વાતચીત મુજબ)

જીએસટી નંબર રદ થવાનાં કારણો

 • પહેલી લહેરમાં લોકડાઉન હતું. આર્થિક દેવું વધી જતા નાના એકમો તેમાંથી બહાર નીકળી શક્યા નહિ, જીએસટી સમયસર નહીં ભરતા અને તેઓનો ધંધો પડી ભાંગ્યો.
 • બીજી લહેરમાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના અનેક એકમોના માલિક મૃત્યુ પામ્યા ત્યારબાદ તેનું સંચાલન કરનાર કોઈ વ્યક્તિ હતું નહિ એથી એ નંબર રદ થયા, આ જ રીતે ભાગીદારી પેઢી પણ બંધ થઇ.
 • રો-મટિરિયલ્સના મોંઘા ભાવમાં નાના એકમોના માલિકોને કામ કરવું પોષાય એમ નથી એટલે આવા માલિકોએ પોતાનો વ્યવસાય બંધ કરી દીધો છે અને તેઓ બીજા વ્યવસાયમાં તરફ વળી ગયા.

આવક વધી એનું કારણ

 • કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર બાદ દરેક ક્ષેત્રમાં ભરપૂર ઓર્ડર હતા. વેપાર વધ્યો અને નફો વધ્યો હતો.
 • રો-મટિરિયલ્સના ભાવ વધતા પડતર કોસ્ટ ઊંચી આવી અને કિંમતમાં વધારો કરવો પડ્યો અને ટેક્સમાં પણ વધારો થયો.
 • સૌરાષ્ટ્રમાં બનતી દરેક ચીજવસ્તુની વિદેશમાં ડિમાન્ડ નીકળી હતી.

આખા રાજ્યમાં ગત વર્ષે વેટમાં 30,137 કરોડની આવક થઇ છે
ગત નાણાકીય વર્ષમાં એટલે કે 2021-2022 માં રાજ્યને વેટ અને જીએસટીની મળીને કુલ રૂ.86,780 કરોડની આવક થઇ છે. આ સમયમાં જીએસટી હેઠળ રૂ.45,564 કરોડની આવક થઇ હતી. જે 2020-2021માં રૂ.30,697 કરોડ હતી. આમ આખા રાજ્યમાં 48.10 ટકાની આવક વધારે થઇ છે. વર્ષ 2021-2022 દરમિયાન રાજ્યને વેટ પેટે કુલ રૂ. 30,137 કરોડની આવક થયેલ છે. જે વર્ષ 2020-2021ની આવક રૂ. 20,827 કરોડ કરતા રૂ. 9310 કરોડની વધુ છે.

17-18 માં ટેક્નિકલ ક્ષતિ અને થયેલી ભૂલનો અત્યારે ખુલાસો મગાયો
જૂન 2017માં જીએસટીની અમલવારી કરાઈ હતી. સૌ કોઇ માટે આ કાયદો નવો હતો. જેથી શરૂઆતના તબક્કામાં સૌ કોઈને ભૂલ થઇ છે. બી ટુ બીના રિટર્ન બી ટુ સીમાં ભરાઈ ગયા છે, તો ઈનપુટ લેવાની હતી તેના કરતા વધુ લેવાઈ ગઇ છે અથવા તો ઓછી લેવાઈ ગઇ હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. આ ભૂલનો ખુલાસો અત્યારે પૂછવામાં આવી રહ્યો છે. આ માટે અંદાજિત 1 હજારથી વધુ નોટિસ ફટકારવામાં આવી છે. જેથી જૂના હિસાબોની ફરી ચકાસણી કરવી પડી રહી છે. તેમ ટેક્સ કન્સલ્ટન્ટ દીપક ચેતા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...