રાજકોટમાં 12 કલાકમાં એક જ પરિવારના 5 સભ્યનાં મોત થયાં છે. ગઈકાલે શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં નાઝિયા અને તેના મામા નઝીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ પતિ ઈમરાન પઠાણે બે બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં આજે ત્રણેયનાં કરુણ મોત નીપજ્યાં છે. આમ જ એક જ પરિવારના 5 સભ્યનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો
શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં નાઝિયા અને તેના મામા નઝીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમરાન અને તેનાં પુત્ર-પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં આજે ત્રણેયનાં મોત નીપજ્યાં છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.
બાળકોની કસ્ટડી મામલે બનાવ હત્યા સુધી પહોંચ્યો
ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો, આથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો, પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે એ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેસનો ખાર રાખી લોહિયાળ ખેલ ખેલાયો હતો. ઈમરાનની પત્નીએ 181 અભયમને બોલાવી હતી. તેનો ખાર રાખી બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો. હત્યારા ઈમરાન પઠાણનાં સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યાં છે. પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાઝિયા પઠાણે 181 ટીમને ફોન કર્યો હતો એટલે ટીમ દોડી આવી હતી. બાદમાં નાઝિયા, તેના મામા નઝીર અને સાસુ ફિરોજાબેનને મહિલા પોલીસ સ્ટેશન બોલવવામાં આવ્યાં હતાં. મહિલા પોલીસ સ્ટેશનથી બધાં નીકળ્યાં ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કરી દીધો હતો.
કોર્ટ દ્વારા સમાધાન થતાં પત્ની આરોપી પતિ ઈમરાન સાથે રહેવા આવી ગઈ હતીઃ DCP
રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ હતી. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જોકે કોર્ટ દ્વારા સમાધાન થતાં પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની, તેના મામા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં પત્ની અને મામાનાં મોત થયાં હતાં, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આરોપી છરી સાથે પોલીસ સ્ટેશનમાં હતો છતાં કોઇએ ચેક કર્યો નહીં અને બેની હત્યા ગઈ
181નો સ્ટાફ નાઝિયા સહિતના લોકોને લઇને મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઇમરાન બાઇક લઇને ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન ગયો હતો. પતિ ઇમરાન સતત મારકૂટ કરી પરેશાન કરતો હોવાની નાઝિયા ફરિયાદ કરતી હતી, જ્યારે ઇમરાને મહિલા પોલીસ સમક્ષ કહ્યું હતું કે બાળકોના કબજા અંગેનો કોર્ટમાં કેસ ચાલે છે. મહિલા પોલીસે ઇમરાન અને નાઝિયા બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું, બંને પક્ષ વચ્ચે પોલીસની હાજરીમાં લાંબો સમય ચર્ચા થઇ હતી અને ઇમરાન પોતે વકીલને લઇને આવે છે તેમ કહી પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો હતો અને ગેટ પાસે ઊભો રહ્યો હતો. ઇમરાન ઘરેથી જ છરી લઇને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે તેની સાથે વાતચીત કરી હતી, આમ છતાં એકપણ પોલીસે ઇમરાનની ઝડતી લેવાની તસ્દી નહીં લેતાં બબ્બે હત્યા થઈ ગઇ.
હત્યા કરી છરી કૈસરે હિંદ પુલ નીચે ફેંકી દીધી
ઇમરાને પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે પત્ની નાઝિયા અને મામાજી સસરા નઝીરની હત્યા કરી બંને બાળકોને સાસુ પાસેથી છીનવી બાઇક પર થોરાળામાં પોતાના ઘરે જવા નીકળ્યો હતો, પોતે કૈસરે હિંદ પુલ પાસે પહોંચ્યો ત્યારે ચાલુ બાઇકે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પુલ નીચે ફેંકી દીધી હતી. છરી કબજે કરવા પોલીસની ટીમ કૈસરે હિંદ પુલ નીચે તપાસમાં દોડી ગઇ હતી.
ઇકાન-અલવીરાએ કહ્યું અમને પપ્પાએ સળગાવ્યા
ઇમરાન અને તેના પુત્ર ઇકાન તથા અલવીરાને સિવિલ હોસ્પિટલે બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા ત્યારે માસુમ સંતાનોને શું થયું? તે અંગે પુછાતાં બંનેએ કહ્યું હતું કે-અમને પપ્પાએ સળગાવી દીધા છે. એ પછી ઇમરાને પણ કબુલ્યું હતું કે-મારે જીવવું નહોતું, મારા પછી આ બાળકોનું કોણ? એટલે એને મારી નાંખવા મેં જ સળગાવી દીધા છે.
પોલીસ ભરશે હવે એબેડેડ સમરી
સામાન્યતઃ પાંચ પ્રકારની સમરી પોલીસ ભરતી હોઈ છે. જેમાં એ સમરી, બી સમરી, સી સમરી સહિત પાંચ જેટલી સમરીનો સમાવેશ થતો હોય છે. જ્યારે કોઈ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ/આરોપીનું મૃત્યુ થઈ જાય ત્યારે પોલીસ કોર્ટમાં એબેડેડ સમરી ફાઈલ કરતી હોઈ છે. જે સમરી અંતર્ગત પોલીસ નામદાર કોર્ટ ને કેસના આરોપી અંગે જાણ કરતી હોય છે, કે જે પણ ઘટના ઘટિત થવા પામી હતી. તે ઘટનામાં જે કસૂરવાર હતો/હતી તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી મૃતક આરોપી વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવી શક્ય ન હોવાથી એબેડેડ સમરી ભરવામાં આવી છે.
ઇમરાનના મોટાભાઈએ ચાર વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી
ફિરોજાબેને ઇમરાન સામે નાઝીયા અને નાઝીરખાન પઠાણની છરીના ઘા ઝીંકી હત્યા કરવાની ફરિયાદ નોંધાવી હતી, તો માસુમ ઇકાન અને અલ્વીરાને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારવા અંગે અયુબભાઇ પઠાણે ઇમરાન સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇમરાનના માતા પિતા હયાત નથી, ઇમરાનના મોટાભાઇ બશીરભાઇએ પણ ચાર વર્ષ પહેલા અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો હતો.
પત્ની પર લોહીનો વેપાર કરવાનો આક્ષેપ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઇમરાને આક્ષેપ કર્યો હતો કે, તેની પત્ની નાઝીયા લોહીનો વેપાર કરતી હતી અને તેની સાસુ ફિરોજાબેન આવા ગોરખધંધા કરાવતા હોવાથી કંટાળીને પોતે આ ઘટનાને અંજામ આપ્યો હતો, જ્યારે પોલીસે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ઇમરાનની ઐયાશી પણ બહાર આવી હતી. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાર ચાર હત્યા કરી આપઘાત કરી લેનાર ઇમરાન પઠાણ સામે તા.26 ફેબ્રુઆરી 2020ના ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
ઇમરાન પઠાણ ગ્રાહકો શોધી લાવતો હતો
થોરાળા પોલીસે એ વિસ્તારમાં આવેલા મકાનમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે સહદેવ ઉર્ફે શૈલેષ હરી ગોસ્વામી, તેની પત્ની તનુજા ગોસ્વામી, ઇમરાન અલ્તાફ પઠાણ અને બ્રિજેશ મથુરાપ્રસાદ પાલ મળી આવ્યા હતા.સહદેવ અને તેની પત્ની બહારથી ચાર યુવતીઓને લાવી રૂમમાં ગોંધી રાખી તેની પાસે લોહીનો વેપાર કરાવતા હતા, જ્યારે ઇમરાન પઠાણ તે સમયે ગ્રાહકો શોધી લાવવાનું કામ કરતો હતો. ગ્રાહકો પાસેથી મળેલી રકમમાંથી તે સમયે ઇમરાનના ખિસ્સામાંથી પોલીસે રૂ.750 કબજે કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.