છેતરપિંડી:યુવતીને છ વર્ષ સાથે રાખી, બે વખત એબોર્શન કરાવી અંતે લગ્ન કરવાની ના કહી પ્રેમી જતો રહ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્નીને છૂટાછેડા આપવાનું કહી શેરમાર્કેટમાં નોકરી કરતી યુવતી સાથે પરિચય બાદ પ્રેમજાળમાં ફસાવી
  • રાજકોટ અને મોરબીમાં અલગ અલગ મકાનોમાં યુવતીને સાથે રાખી, લોકોને પત્ની તરીકે ઓળખ આપતો’તો

શહેરમાં રહેતી 35 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી છ વર્ષ સુધી રિલેશનશિપમાં સાથે રાખી ગીતાનગરના શખ્સે અનેક વખત શરીરસંબંધ બાંધ્યા હતા અને બે વખત એબોર્શન પણ કરાવડાવ્યું હતું. પત્ની સાથે છૂટાછેડા થઇ જશે બાદમાં લગ્ન કરી લેશે તેવી વર્ષો સુધી લાલચ આપ્યા બાદ પ્રેમિકાને તરછોડીને પ્રેમી નાસી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

મોબાઇલ નંબરની આપલે બાદ વાતચીત શરૂ કરી હતી
શહેરમાં રહેતી 35 વર્ષની યુવતીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગીતાનગરમાં આવેલા જય ચામુંડા એપાર્ટમેન્ટમાં રહેતા નિરજ વિનોદરાય આડતિયાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અપરિણીત છે અને 2013માં ઢેબર રોડ પર શેરબજારના ધંધાર્થીની ઓફિસમાં નોકરી કરતી હતી ત્યારે ગીતાનગરમાં રહેતો નિરજ આડતિયા ઇન્વેસ્ટમેન્ટ માટે આવતો હોય બંને વચ્ચે પરિચય થયો હતો અને મોબાઇલ નંબરની આપલે બાદ વાતચીત શરૂ કરી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો.

પત્ની સાથે છૂટાછેડા બાદ લગ્ન કરી લેશે તેમ કહી યુવતીને પોતાની જાળમાં ફસાવી
નિરજે પોતાની પત્ની સાથે છૂટાછેડા બાદ લગ્ન કરી લેશે તેમ કહી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી અને વર્ષ 2014માં તેની માતાએ લગ્ન બાબતે વાતચીત કરવી છે તેમ કહી ગીતાનગરમાં પોતાના ઘરે યુવતીને બોલાવી માતાની ગેરહાજરીમાં યુવતી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતા નિરજે છૂટાછેડા થયે લગ્ન કરી લેશે તેવી વાત ચાલુ રાખી હતી અને યુવતીને પોતાનના ઘરે સાથે રહેવા લઇ આવ્યો હતો. દોઢવર્ષ સુધી યુવતી નિરજની સાથે રહી હતી, પરંતુ તેની માતા સાથે બોલાચાલી થતાં નિરજે પોતાની નોકરીમાં મોરબી બદલી કરાવી લીધી હતી અને બંને મોરબીના રવાપરમાં પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.

નિરજ યુવતીની ઓળખ પોતાની પત્ની તરીકે જ આપતો
વર્ષ 2017માં નિરજની ફરીથી રાજકોટમાં બદલી થતાં બંને માધાપર ચોકડી પાસે આવેલા સુમતિ એવન્યૂ ફ્લેટમાં સાથે રહેતા હતા અને નિરજ યુવતીની ઓળખ પોતાની પત્ની તરીકે જ આપતો હતો. ઓક્ટોબર 2017માં નિરજના તેની પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હતા, યુવતીએ લગ્નનું કહેતા તેની પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી છે થોડા મહિના બાદ લગ્ન કરી લેશે તેમ કહી યુવતીને ફરીથી આશ્વાસન આપ્યું હતું, પ્રેમી નિરજ લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી કરી રહ્યાનું યુવતીને લાગતા તેણે નિરજ પર લગ્નનું દબાણ શરૂ કર્યું હતું, પરંતુ નિરજ દર વખતે નવી નવી વાતો કરી યુવતીને લગ્નની વાતથી દૂર રાખતો હતો, એક દિવસ યુવતીએ નિરજનો મોબાઇલ ચેક કરતાં તેમાં અનેક યુવતી સાથે નિરજ ચેટિંગ કરતો હોવાનું ખુલ્યું હતું, જોકે એ તમામ માત્ર ફ્રેન્ડ છે તેમ કહી નિરજે પ્રેમિકાને સમજાવી દીધી હતી.

રૂ.1 લાખ રોકડા અને રૂ.15 હજાર શેરની ખરીદી માટે આપ્યા હતા
યુવતીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, છ વર્ષ પોતે સાથે રહી હતી તે દરમિયાન નિરજને રૂ.1 લાખ રોકડા અને રૂ.15 હજાર શેરની ખરીદી માટે આપ્યા હતા તે રકમ પણ નિરજે પરત કરી નહોતી અને તે રકમ પણ નિરજ હજમ કરી ગયો હતો અને અવાર નવારના સંબંધોને કારણે યુવતી બે વખત સગર્ભા બની હતી અને બંને વખત નિરજે એબોર્શન કરાવી નાખ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

મને બીજી યુવતી મળી ગઇ છે તારી સાથે લગ્ન કરવા નથી..
છ વર્ષ સુધી પ્રેમીની જાળમાં ફસાઇને તેની સાથે રહેનાર યુવતીને વાસ્તવિક સ્થિતિનો સામનો કરવાની વેળા આવી ત્યારે તે પોલીસમથકે પહોંચી હતી. યુવતીએ પોલીસ સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે, પ્રેમી નિરજ જ્યારે તેને મૂકીને ભાગ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, ‘મારે તારી સાથે લગ્ન કરવા નથી, મને હવે બીજી છોકરી મળી ગઇ છે, તારે જે કરવું હોય તે કરી લે, હવે આટલો સમય થઇ ગયો છે હવે તું કંઇ કરી શકીશ નહીં.

અન્ય સમાચારો પણ છે...