ગૃહિણીઓના બજેટ ખોરવાયા:ગુવાર, કોથમીર બાદ ટમેટાંના ભાવ વધ્યા, કિલોના 100 રૂપિયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યાર્ડમાં ટમેટાં જથ્થાબંધ રૂ.70થી 80ના કિલોના ભાવે વેચાયા

ભારે અને પાછોતરા વરસાદને કારણે છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને કારણે ગૃહિણીઓના બજેટ વિખેરાઈ રહ્યા છે. ગુવાર, કોથમીર અને મેથી બાદ હવે ટમેટાંના ભાવ વધ્યા છે. રવિવારે રાજકોટમાં એક કિલો ટમેટાંનો ભાવ રૂ.100 બોલાયો હતો. જ્યારે યાર્ડમાં આ ટમેટાંનો ભાવ રૂ. 70 થી 80 લેખે હરાજીમાં બોલાયો હતો.

શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટરના જણાવ્યાનુસાર ભારે વરસાદ થયો તેને કારણે પાક ફેલ થયો છે, તો ક્યાંક ફાલ ખરી ગયો છે. જેથી હાલમાં આવક ઘટી છે. રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ- ખેડૂતો પોતાના શાકભાજી ખરીદવા અને વેચવા માટે આવતા હોય છે. તેમાં હાલ આવતા ખેડૂતોની સંખ્યા ઘટી ગઇ છે. અત્યારે શાકભાજીની ડિમાન્ડ વધારે છે. જ્યારે સામે આવક ઓછી છે. ઓછી આવકને કારણે હરાજી માત્ર 1 કલાકમાં જ પૂરી થઈ જાય છે. જ્યારે સામાન્ય દિવસોમાં આ હરાજી 3-3 કલાક સુધી ચાલતી હોય છે.

એક સમય હતો જ્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં શાકભાજીના ભાવ મળતા નહોતા જેને કારણે તેઓ યાર્ડ સુધી શાકભાજી લાવવાનું ટાળતા હતા અને મૂંગા પશુઓને ખવડાવી દેતા હતા તેના બદલે હવે અત્યારે તેઓને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જ્યારે સામાન્ય લોકોને ઊંચા ભાવ ચૂકવીને શાકભાજી ખરીદવા પડતા તેઓને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ- ડીઝલ ,તેલ બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ગણી શકાય તે શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે. જેને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટશે
હજુ 15 દિવસ સુધી શાકભાજીના ભાવ ઊંચા રહશે. અંદાજિત દિવાળી બાદ શિયાળુ શાકભાજીની શરૂઆત થઈ જશે. આ સાથે જ શાકભાજીના ભાવ ઘટી જશે. હાલમાં જે શાકભાજી આવી રહ્યું છે એ રાજકોટ ઉપરાંત આજુબાજુના શહેરો અને બીજા રાજ્યમાંથી આવતું હોવા છતાં પણ આવક ઓછી છે જ્યારે શિયાળુ શાકભાજી શરૂ થતાં સ્થાનિક શાકભાજીની આવક જ એટલી હશે કે એ અહીંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવશે તેમ યાર્ડના ઇન્સ્પેક્ટર કનુભાઈ ચાવડા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...