વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી હવે નેતાઓ આજે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાઇ ગયા છે. આજે સવારથી જ નેતાઓ પોતાના કાર્યકર્તાઓ સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર પ્રચાર કરી લોકો પાસે મત માગવા જઇ રહ્યા છે. ભાજપના ઉમેદવારો ઉદય કાનગડ, રમેશ ટીલાળા લોકોના ઘરે ઘરે જઈ શિશ ઝૂકાવી મત માગતા નજરે પડી રહ્યા છે. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીને ભાજપે ટિકિટ ન આપતા નારાજ છે. તેની જગ્યાએ ભાજપે ઉદય કાનગડને ટિકિટ આપી છે. આજે ઉદય કાનગડ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે ત્યારે તેની સાથે અરવિંદ રૈયાણી પણ જોવા મળ્યા છે.
રાજકોટ દક્ષિણ મત વિસ્તારમાં રમેશ ટીલાળા પ્રચારમાં નીકળ્યા
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તા સાથે પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે. દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં આવતા કરણપરા, પેલેસ રોડ, સોની બજાર, સહિત આસપાસના વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. જેમાં લોકોના ઘર તેમજ દુકાનોમાં વેપારી પાસે પહોંચી ભાજપને મત આપવા અપીલ કરી હતી. આ સમયે કાર્યકર્તા હાથમાં ભાજપનું નિશાન કમળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા સાથે કટઆઉટ હાથમાં લઇ જોવા મળ્યા હતા.
ઉદય કાનગડ પોતાના મત વિસ્તારમાં પ્રચારમાં નીકળ્યા
બીજી બાજુ પૂર્વ વિસ્તારમાં પણ ઉમેદવાર ઉદય કાનગડે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. આ પ્રચારમાં વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ સાથે જોડાયા હતા. પારેવડી ચોક, કુવાડવા રોડ, લક્ષ્મણ પાર્ક, ગ્રીનલેન્ડ ચોક સહિત વિસ્તારમાં પ્રચારમાં જોડાયા હતા. ઉમેદવાર ઉદય કાનગડએ જણાવ્યું હતું કે, ભાજપ વિકાસના કામોને લઈ પ્રજા વચ્ચે મત માગવા જઇ રહ્યા છીએ. રાજકોટના પ્રશ્નોની જેમ પૂર્વ વિધાનસભાના પ્રશ્નો પણ વિધાનસભામાં પહોંચી હું હલ કરી દઈશ. જો કે આ સાથે કોંગ્રેસના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવારે પણ રામનાથ મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર અને આજી રિવરફ્રન્ટ કામ પૂર્ણ કરવાનો વાયદો કર્યો છે.
રૈયાણીને કહ્યું ઉદયભાઈ મારા કરતા વધુ મતથી જીતશે
એક વાત એવી હતી કે અરવિંદ રૈયાણીને રિપીટ ન કરવામાં આવતા તેઓ નારાજ છે ત્યારે આજે પ્રચારમાં તેઓ સાથે જોડાઇ અને લોકો પાસે મત માગતા નજરે પડ્યા હતા. અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, અહીં કોઈ કાયમી નથી, આજે હું, કાલે ઉદયભાઈ પછી કોઈ બીજા આવશે. પણ અમે બધા કમળના કાર્યકર્તા છીએ. હું ગત ચૂંટણીમાં 23,000 મતથી જીત્યો હતો. આ વખતે ઉદયભાઈ મારા કરતા વધુ મત મેળવી જીતશે તેવો મને કાર્યકર્તા પર પૂરો વિશ્વાસ છે.
2012ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ત્રિ-પાંખિયો જંગ ચૂંટણીમાં જોવા મળવાનો છે ત્યારે ભલે ભાજપ કહેતું હોય કે ગુજરાતમાં ક્યારેય ત્રીજા પક્ષને સમર્થન મળ્યું નથી. પરંતુ વર્ષ 2012માં યોજાયેલા ત્રિ-પાંખિયા જંગ વચ્ચે ભાજપે આ બેઠક ગુમાવવી પડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને જીત મળી હતી. ત્યારે ફરી આ વખતે ત્રિ-પાંખિયા જંગ વચ્ચે ભાજપ આ બેઠક જાળવી રાખશે કે ગુમાવશે તે જોવું મહત્વનું રહેશે.
રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર
રાજકોટ વિધાનસભા દક્ષિણના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા પણ છેલ્લા 3 દિવસથી પદયાત્રા કરી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓ વોર્ડ નંબર 8માં નાનામવા રોડ, રાજનગર ચોક તેમજ અનુપમ સોસાયટી સહિત વિસ્તારોમાં ફરી ઘરે ઘરે અને દુકાને દુકાને મત માગવા નીકળ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ આપેલ વચનોની પત્રિકા વિતરણ કરી વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવતા અને યુવા મિત્રોને હાથ જોડી મત માગતા કોંગી ઉમેદવાર હિતેશ વોરા નજરે પડ્યા હતા. આમ તો વિધાનસભા 70 ભાજપનો ગઢ છે. પરંતુ આ વખતની ચૂંટણીના પરિણામો અલગ આવી શકે છે. કારણ કે ત્રિ-પાંખિયો જંગ છે અને આ ત્રિ-પાંખિયા જંગ ત્રણે ઉમેદવાર લેઉવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.