ગ્રહણથી પરંપરા બદલાઇ:દિવાળીએ ચોપડાપૂજન કર્યા બાદ તુરંત જ વેપારીઓએ ઉત્થાપન કરી લીધું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બીએપીએસ મંદિર, દુકાન, શો-રૂમમાં ચોપડાપૂજન થયું, સામૂહિક ભોજન પ્રસાદ લઇ દીપાવલી પર્વની ઉજવણી કરી
  • ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ ખાતે વેપારીઓએ સાંજે પૂજા કરવાની પરંપરા જાળવી

સોમવારે દિવાળીના દિવસે ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોપડાપૂજન બાદ બીજા દિવસે તેનું ઉત્થાપન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ગ્રહણને કારણે ચોપડાપૂજન બાદ તુરંત જ ઉત્થાપન કરી લેવામાં આવ્યું હતું. શાસ્ત્રી રાજદીપ જોશીના જણાવ્યાનુસાર 60 ટકા વર્ગ હજુ એવો છે કે, જે સાંજના સમયે જ ચોપડાપૂજન કરે છે. જ્યારે જે દીપાવલી- નવા વર્ષની ઉજવણી બહાર ગામ જઇને કરતા હોય છે તેમને ધનતેરસે અથવા તો દિવસના શુભ મુહૂર્તમાં જ પૂજન કરી લીધું હતું.

રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ગરેડિયા કૂવા રોડ, સોની બજાર, ગુંદાવાડી, દાણાપીઠ, પેલેસ રોડ સહિત જૂના વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીઓએ દિવાળીના દિવસે જ સાંજે ચોપડાપૂજન કર્યું હતું. દુકાન, બજાર, ઔદ્યોગિક એકમોમાં રોશની, ડેકોરેશન કરવામાં આવતા ચોપડાપૂજન સમયે પણ બજારમાં વિશેષ નજારો જોવા મળ્યો હતો. દિવાળી સપરમાં તહેવારને કારણે નવરાત્રિથી બજારોમાં મોડી રાત સુધી ખરીદીનો માહોલ અને ચહલ-પહલ જોવા મળતી હતી, પરંતુ આજથી બજાર, યાર્ડ અને વેપારી પેઢીમાં રજાનો માહોલ જોવા મળશે અને લાભપાંચમે બધે વેપારના શ્રીગણેશ થશે.

3 હજારથી લઈ 30 હજાર સુધીનું બજેટ ચોપડાપૂજન માટે ફાળવાયું
વેપારી પેઢી, ઔદ્યોગિક એકમોમાં થતા ચોપડાપૂજનમાં માલિક, કર્મચારી સૌ કોઈ તેના પરિવાર સાથે જોડાતા હોય છે. ચોપડાપૂજન બાદ સામુહિક જમણવાર- નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સિવાય ધંધાકીય સ્થળે જ આતાશબાજી અને ફટાકડા ફોડીને દીપાવલી પર્વની ઉજવણી કરી હતી. આમ એકંદરે વેપારીઓએ રૂ. 3 હજારથી લઈને રૂ. 30 હજાર સુધીનું બજેટ ચોપડાપૂજન માટે ફાળવ્યું હતું.

ડિજિટલ હિસાબ રાખનારે પેનડ્રાઈવ, લેપટોપની પૂજા કરી
મોટાભાગે ચોપડા, સિક્કા, પેનની પૂજામાં મુકવામાં આવે છે. જે અનુક્રમે સરસ્વતી, લક્ષ્મી અને મહાકાળીનું રૂપ માનવામાં આવે છે. આજના સમયમાં હવે મોટાભાગના તમામ વેપારીઓ ડિજિટલ હિસાબો રાખે છે. ત્યારે કેટલાકે પ્રતીક રૂપે ચોપડા- કાગળ, પેન મૂકીને તેનું પૂજન કર્યું હતું. તો કેટલાકે પૂજામાં પેન ડ્રાઈવ તેમજ કમ્પ્યૂટર, લેપટોપને લગતી સાધન-સામગ્રી મૂકી હતી, તો કોઇએ લેપટોપનું પૂજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...