ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં ટિકિટ વહેંચણી બાદ ચારેય બેઠકનું પરિણામ ઉજળિયાત વર્ગના મતદારો નક્કી કરશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટીદારની બે બેઠકમાંથી એકમાં ટિકિટ કપાઇ, તેમાં ઓબીસી પર ભાજપે કળશ ઢોળ્યો પરંતુ ઓબીસીના મુખ્ય મતદારો કોળી અને પ્રજાપતિની બાદબાકીથી ઉકળતો ચરુ
  • વિધાનસભા 69માં લોહાણા, બ્રાહ્મણ સમાજની ઉપેક્ષા કરી જૈનની પસંદગી સામે અનેક સવાલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-સુરતમાં મતદાન થશે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે, ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા છે અને ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, મહત્તમ મતદારો ધરાવતા સમાજ પર રાજકીય પાર્ટીઓ પસંદગીનો કળશ ઢોળતા હોય છે પરંતુ રાજકોટની ચાર બેઠકમાં ટિકિટ ફાળવણીએ ઊહાપોહ સર્જ્યો છે, નારાજ થયેલા નેતાઓ ખુલ્લીને બહાર નથી આવતા પરંતુ તેમનો સમાજ કંઇક રંગ બતાવશે તેવી આશ લગાવીને બેઠા છે, પરંતુ એક વાત નક્કી છે કે રાજકોટની ચારેય બેઠકનું પરિણામ ઉજળિયાત વર્ગના મતદારો નક્કી કરશે.

રાજકોટ વિધાનસભા 68 બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના પાટીદાર યુવા નેતા અરવિંદ રૈયાણી વિજેતા થયા હતા અને મંત્રી પણ બન્યા હતા, આ બેઠકમાં 291083 મતદાર છે તેમાં સહુથી વધુ લેઉવા પાટીદાર 58938 છે, ભાજપે આ વખતે રૈયાણીને હટાવીને ઓબીસી સમાજ પર પસંદગીનો કળશ ઢોળી આહીર સમાજના ઉદય કાનગડને ઉમેદવાર બનાવ્યા છે.

જોકે ઓબીસી સમાજમાં આ બેઠકમાં આહીરના 12915 મત છે જ્યારે ઓબીસીમાં આવતા કોળી 42 હજારથી વધુ, પ્રજાપતિ 14374 છે, જેથી ઓબીસી ચહેરાની પસંદગીમાં પાર્ટી ભૂલ ખાઇ ગયાની વાતો શરૂ થઇ છે, ઓબીસીના તમામ મતો ભાજપ અંકે કરશે તો પરિણામ તેને અનુરૂપ આવી શકે, બીજીબાજુ પાટીદારની ટિકિટ કપાતા પાટીદાર સમાજ કઇ બાજુ ઝૂકે છે તેના પર મીટ મંડાઇ છે.

વિધાનસભા 69માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી નહીં લડે તેવું જાહેર થયા બાદ બ્રાહ્મણ અને લોહાણા સમાજના આગેવાનોની પસંદગી નિશ્ચિત મનાતી હતી, આ બેઠક બ્રાહ્મણ 34695, લોહાણા 24080 મતદાર છે, આ બેઠક પર કડવા પાટીદારની પસંદગી થવી જોઇએ તેવી માંગ અગાઉ ઊઠી હતી અને કડવા પાટીદાર 34123 મતદાર છે, જ્યારે ભાજપે 27367 મત ધરાવતા જૈન સમાજના ડો.દર્શિતા શાહ પર પસંદગી ઉતારી છે, જ્યારે કોંગ્રેસે કડવા પાટીદાર મનસુખ કાલરિયાને મેદાને ઉતાર્યા છે.

વિધાનસભા 70માં કોંગ્રેસ, ભાજપ અને અને આમ આદમી પાર્ટીએ લેઉવા પાટીદાર સમાજના વ્યક્તિને ટિકિટ આપી છે, આ બેઠક પર 53961 લેઉવા પાટીદાર મતદાર છે, પાટીદાર મતોનું અહીં ધ્રુવીકરણ થવાની સંભાવના છે, ત્યારે આ બેઠક પર બ્રાહ્મણ 16131, લોહાણા 14566, પ્રજાપતિ 22 હજારથી વધુ મતદાર છે, વિધાનસભા 71 અનુ.જાતિની અનામત બેઠક છે, આ બેઠક પર લેઉવા પાટીદાર 80861, કડવા પાટીદાર 34101, બ્રાહ્મણ 14947. ક્ષત્રિય 11 હજારથી વધુ મતદાર છે.

ચારેય બેઠક પર આ રીતે મંડાઈ શકે છે જ્ઞાતિનું ગણિત
વિધાનસભા 68માં કોંગ્રેસે બ્રાહ્મણ અને આમ આદમી પાર્ટીએ લેઉવા પાટીદારના યુવા ચહેરાને ઉતાર્યો છે, ત્યારે અહીં પાટીદારો કોના તરફ વળે છે, વિધાનસભા 69માં પણ બ્રાહ્મણ, લોહાણા અને કડવા પાટીદાર જીતનો શેહરો કોના શિર પર લગાવે છે, વિધાનસભા 70માં પાટીદારોના મતોનું ધ્રુવીકરણ થશે ત્યારે પ્રજાપતિ અને બ્રહ્મસમાજ સહિતના મતદારો પોતાના ધારાસભ્ય નક્કી કરશે તેવું નિશ્ચિત મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...