હવાઇ મુસાફરી:કોરોના પછી રાજકોટના ઉદ્યોગપતિ, ડોક્ટર, એન્જિનિયર્સની ભાડાના ચાર્ટર પ્લેનમાં મુસાફરી વધી, ખર્ચ રૂપિયા 3 થી 10 લાખ સુધી આવે છે

રાજકોટ5 મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના બાદ શ્રીમંતવર્ગમાં ડોમેસ્ટિક અને ટૂંકા અંતરની મુસાફરી માટે ચાર્ટર પ્લેન - એરક્રાફ્ટમાં મુસાફરી કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો
  • 90 દિવસમાં રાજકોટ એરપોર્ટ પરથી 80 નોન શિડયૂલ ફલાઈટની મૂવમેન્ટ થઈ, 148 મુસાફરો નોંધાયા
  • રાજકોટના લોકો ચાર્ટર પ્લેનમાં મુંબઈ, દિલ્હી, પંજાબ, અમૃતસર અને પૂના સૌથી વધુ જાય છે

કોરોનાની બીજી લહેર બાદ હવાઇ મુસાફરીમાં બદલાવ આવ્યો છે. બિઝનેસ ક્લાસમાં એડવાન્સ બુકિંગ થવા લાગ્યા છે. તો બીજી તરફ ઉદ્યોગપતિ, ડોક્ટર, એન્જિનિયરનું ચાર્ટર ફલાઇટમાં મુસાફરી કરવાનું પ્રમાણ વધ્યું છે. ચાર્ટર ફલાઇટમાં મુસાફરી કરવાનો મૂવમેન્ટદીઠ રૂ. 3 લાખથી 10 લાખ સુધીનો ખર્ચ થાય છે. રાજકોટ એરપોર્ટ પર 90 દિવસમાં 80 નોન શિડયૂલ ફલાઇટની મૂવમેન્ટ થઇ છે. જેમાં મુસાફરી કરનારની સંખ્યા 148 છે.

રાજકોટના બિઝનેસમેન અને અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સૌથી વધુ મુંબઈ, દિલ્હી, પંજાબ, અમૃતસર, પૂના સૌથી વધુ જાય છે. આખા રાજ્યમાં ચાર્ટર ફલાઇટની સૌથી વધુ મૂવમેન્ટ એટલે કે લેન્ડ અને ટેક ઓફ અમદાવાદ એરપોર્ટ પરથી વધુ થાય છે. કારણ કે અહીંથી દરેક મેટ્રો સિટીની એર ફ્રિકવન્સી મળી રહે છે. તેમજ અન્ય ફેસેલિટી વધુ હોવાથી સરળતા રહે છે. જ્યારે બીજા ક્રમે સુરત, રાજકોટ ત્રીજા ક્રમે અને વડોદરા છેલ્લા ક્રમે આવે છે. તેમ સુમેરૂ એવિએશન સર્વિસના સી.એમ.ડી. મેહુલભાઇ જોષી જણાવે છે. ડિસેમ્બરમાં લગ્ન માટે હેલિકોપ્ટર માટે અત્યારથી જ બુકિંગ અને ઈન્કવાયરી વધી છે.

બીજી લહેરમાં એર એમ્બ્યુલન્સ સૌથી વધુ ઓપરેટ થઇ
કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત અને ક્રિટિકલ કન્ડિશન ધરાવતા અનેક લોકોને મેડિકલ સારવાર માટે ચેન્નાઈ જવાની જરૂર પડી. તાત્કાલિક પહોંચવા માટે એર એમ્બ્યુલન્સની સેવા લેવામાં આવી. આથી, કોરોનાની બીજી લહેરમાં રાજકોટ એરપોર્ટ પર એપ્રિલથી મે માસ સુધીમાં સૌથી વધુ એર એમ્બ્યુલન્સ જ ઓપરેટ થઇ છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર નોન શિડ્યુલ ફલાઇટની મૂવમેન્ટમાં ટ્રેનિંગ માટેની ફલાઇટ, વીઆઇપી મૂવમેન્ટનો પણ સમાવેશ થાય છે.

ડેસ્ટિનેશન વેડિંગ માટે પાંચ દિવસ સુધી હેલિકોપ્ટર ભાડે કરાય છે
પોતાના દીકરા- દીકરીના લગ્ન- પ્રસંગને યાદગાર બનાવવા માટે સમાજનો ઉચ્ચ શ્રીમંત અને ગર્ભ શ્રીમંત વર્ગ હાલમાં ડેસ્ટિનેશન વેડિંગ વધુ પસંદ કરે છે અને પોતાના પરિવારના નજીકના અને મર્યાદિત લોકો સાથે જોધપુર, જેસલમેર, ઉદયપુર અને રાજસ્થાન જઈને લગ્નવિધિ કરે છે. કોરોના પછી ડેસ્ટિનેશન સુધી જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાનું પ્રમાણ પણ પહેલા કરતા વધ્યું હોવાનું એવિએશન ઈન્ડસ્ટ્રીઝના મેહુલભાઇ જોષી જણાવે છે.

ચાર્ટર પ્લેન અને વેડિંગ ડેસ્ટિનેશન માટે હેલિકોપ્ટરના ઉપયોગ વધવાનું કારણ અને આવેલા બદલાવ

  • પોતાની અને પરિવારની સુરક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે.
  • શિડયૂલ ફલાઇટમાં મુસાફરી કરવા માટે ફલાઈટના ટાઈમ ટેબલ મુજબ પહોંચવું પડે છે. જ્યારે ચાર્ટર ફલાઇટમાં પોતાના સમયે એક સ્થળેથી બીજા સ્થળે આવનજાવન કરી શકાય છે.
  • લોકોમાં સેલ્ફ ડિસિપ્લિન આવી છે. એરલાઇન્સ કરતા વધુ આરામદાયક, સુવિધાજનક મુસાફરી કરી શકાય છે અને સમય બચે છે.
  • ચાર્ટર પ્લેન કે એરક્રાફટ બૂક કરતા પહેલા લોકો ખર્ચનો વિચાર કરતા હતા. ચાર્ટર પ્લેન બૂક કરવામાં અને મુસાફરી માટે ચાર - પાંચ દિવસનો સમય લેતા હતા. હવે એકથી બે કલાકમાં તરત નિર્ણય લઇ લે છે
  • ડેસ્ટિનેશન વેડિંગ અંગત લોકોની હાજરીમાં જ કરવાના હોવાથી અન્ય ખર્ચનું બજેટ હવે હેલિકોપ્ટરમાં મુસાફરીમાં ડાયવર્ટ કરે છે.
અન્ય સમાચારો પણ છે...