શીખવાની અક્ષમતા સંબંધિત વિકૃતિઓ મોટાભાગે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રો સાથે સંબંધિત છે. ઘણા બાળકો ભણતર, સંકલન અને સંચારના ક્ષેત્રોમાં અપૂરતીતા દર્શાવે છે. પરિણામે બાળકોનું પ્રદર્શન ઘટે છે. ત્યારે કોરોના બાદ બાળકોને અભ્યાસમાં થતી અગવડો પર મનોવિજ્ઞાન ભવન દ્વારા 1350 વિદ્યાર્થીઓ પર સર્વે કરવામાં આવ્યો. જેમાં 10થી 13% ડિસ્લેક્સિયા, 31% વાંચન, 24% ગાણિતિક અને 27.72% લેખન વિકૃતિનું પ્રમાણ જોવા મળ્યું છે.
સર્વેના તારણો
શીખવાની વિકૃતિઓ:
વાંચન વિકૃતિ
આ વિકૃતિને ડિસ્લેક્સિયા પણ કહેવામાં આવે છે. સાદા શબ્દોમાં, ડિસ્લેક્સિયાનો અર્થ થાય છે 'શબ્દોમાં મુશ્કેલી'. આ વિકૃતિમાં બાળકો શબ્દોને બરાબર ઓળખી શકતા નથી, જે વાંચે છે, એ સમજી શકતા નથી, તેમનું બૌદ્ધિક સ્તર પણ સરેરાશ છે. જ્યારે પુખ્ત વયની વ્યક્તિ થાય છે ત્યારે પણ, સતત મૌખિક વાંચન સંબંધિત સમસ્યાઓ તેમનામાં જોવા મળે છે. આ સમસ્યાને ધીરે ધીરે દૂર કરી શકાય છે અને પુખ્તવયના સમય સુધીમાં તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે, પરંતુ તેમ છતાં કેટલાક પુખ્ત વયના વ્યક્તિઓમાં આ સમસ્યા ચાલુ રહે છે. ડિસ્લેક્સીયા એ કોઈ રોગ નથી પણ મગજનો એક વિશિષ્ટ પ્રકાર છે. ઘણીવાર આવા બાળકોની મગજની રચના અલગ હોય છે.
ડિસલેક્સિયાના કારણો
ન્યુરોસાયન્ટિસ્ટના મતે, આ વ્યક્તિઓમાં મગજના કોષો અલગ રીતે વિકસિત થાય છે. આ કોષો બુદ્ધિને પ્રભાવિત કરતા નથી પરંતુ માત્ર વાંચન અને ભાષાની સમસ્યાઓને વિકસિત કરે છે. આ બાળકોની બુદ્ધિમત્તા સરેરાશથી વધુ હોઈ શકે છે. ડિસલેક્સિ પ્રત્યક્ષ જ્ઞાનાત્મક પ્રક્રિયાઓની સમસ્યાઓને કારણે થાય છે, જેમ કે અક્ષરોને વિપરીત ક્રમમાં સમજવા, જેમ કે (d) (b) તરીકે વાંચવા અથવા લખવા વગેરે. સરળ શબ્દ વાંચન અને જોડણી કૌશલ્ય આનુવંશિક છે. જ્યારે વાંચન સમજ આનુવંશિક નથી. પ્રત્યક્ષ જ્ઞાનાત્મક ઊણપ સિદ્ધાંત મુજબ, આ વિકૃતિનું કારણ પ્રત્યક્ષ જ્ઞાનાત્મકનો અભાવ છે, જેના કારણે બાળકો અક્ષરો ઉલટા વાંચે છે અને તેને ઓળખવામાં ભૂલો કરે છે.
સારવાર
આ વિકૃતિને દૂર કરવા માટે રીડિંગ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. ડિસ્લેક્સિયા ધરાવતા પુખ્ત વયના લોકોને કોલેજના ટેપ કરેલા ભાષણો જેવા અનેક પ્રકારના સૂચનાત્મક સહકાર આપવામાં આવે છે.તેમજ શિક્ષકોનો સંપર્ક કરીને ખાસ પ્રકારના ભાષણો(લેક્ચર) દ્વારા ઘટાડી શકાય છે અથવા કરી શકાય છે.
ગાણિતક વિકૃતિ
ગાણિતક વિકૃતિમાં, સંખ્યાઓને સમજવા સંબંધિત વિકૃતિઓ હોય છે, જેમ કે સંખ્યાઓનો સરવાળો, બાદબાકી વગેરે. આવા બાળકોની ઓળખ ત્યારે થાય છે જ્યારે તે બાળકોનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ હોય છે. વિશેષ કરીને, તેમની ગાણિતિક કુશળતા તેમની બૌદ્ધિક ક્ષમતાઓથી ઘણી ઓછી હોય છે. આવા બાળકો સંખ્યાત્મક પ્રતીકોને યોગ્ય રીતે ઓળખી શકતા નથી. આ વિકૃતિ છોકરાઓ અને છોકરીઓમાં લગભગ સમાન રીતે જોવા મળે છે.
લેખન વિકૃતિ
આ પ્રકારની વિકૃતિમાં, બાળકનું લેખન કૌશલ્ય ખૂબ જ નિમ્ન શ્રેણી નું હોય છે. બાળકો દ્વારા લખવામાં આવેલી લેખનમાં વારંવાર અલગ-અલગ ભૂલો થાય છે. જેમાં વ્યાકરણ અને વિરામચિહ્ન વગેરેમાં વધુ ભૂલો થાય છે. મનોવિજ્ઞાનમાં અભ્યાસ અનુસાર, આવી ભૂલો બીજા ધોરણમાં આવે ત્યાં સુધીમાં ઓળખાઈ જતી હોય છે. આ ભૂલોને કારણે બાળકની શૈક્ષણિક સિદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેમનું પ્રદર્શન તેમના બૌદ્ધિક સ્તરથી ઘણું નીચે જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.