સરવે:કોરોના બાદ 69.7% લોકો ગમતું કામ કરવામાં અનુભવે છે બેચેની

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોવિજ્ઞાન ભવને 1160 લોકોનો સરવે કર્યો: અનેક લોકો ગમતા કામમાંથી રસ ઊડી જવાની એન્હેડોનિયા બીમારીથી પીડાય છે

એન્હેડોનિયા એ આનંદ અનુભવવાની અસમર્થતા છે. તે ડિપ્રેશન તેમજ અન્ય માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓનું સામાન્ય એક પ્રકારનું લક્ષણ છે. જેમાં વ્યક્તિને ગમતી પ્રવૃત્તિઓમાં પણ રસ નથી લાગતો અને ધ્યાન રાખી શકતા નથી. કોરોના સમયમાં અને આજના ઝડપી તેમજ તણાવભર્યા સમયને કારણે ઘણા લોકોને એન્હેડોનિયા જોવા મળ્યું.

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી, ડો.ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ દ્વારા 1160 લોકો પર સરવે કર્યો. જેમાં 69.7% લોકોએ કહ્યું કે, તેઓ ગમતું કામ કરવામાં પણ બેચેની અનુભવે છે. 60% લોકોને પહેલા કરતા સામાજિક સંબંધોમાં અંતર આવ્યું છે. 52.8%એ કહ્યું કે, જે બાબતો પસંદ હતી તે બાબતોથી દૂર રહેવાનું વલણ જોવા મળે છે. 58.4% લોકોએ કહ્યું કે, તેમને ગમતી પ્રવૃત્તિઓ પ્રત્યે રસ ઓછો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

એન્હેડોનિયાના બે મુખ્ય પ્રકારો છે
આ બીમારીના મુખ્ય બે પ્રકાર છે જેમાં સામાજિક એન્હેડોનિયા જેમાં વ્યક્તિ અન્ય લોકો સાથે સમય પસાર કરવા માગતા નથી. જ્યારે બીજો પ્રકાર શારીરિક એન્હેડોનિયા જેમાં વ્યક્તિ શારીરિક સંવેદનાનો આનંદ માણતા નથી. આલિંગન પણ ગમતું નથી અને મનપસંદ ખોરાક પણ સ્વાદ વગરના લાગે છે. પતિ-પત્ની વચ્ચે જાતીયતા આકર્ષણ પણ ગુમાવી શકે છે.

એન્હેડોનિયા ડિપ્રેશન સાથે ગાઢ રીતે જોડાયેલું છે
એનહેડોનિયા ડિપ્રેશન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તે સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર જેવી અન્ય માનસિક બીમારી ધરાવતા લોકોને અસર કરે છે. ઉપરાંત પાર્કિન્સન રોગ, ડાયાબિટીસ, કોરોનરી ધમની બીમારી અને દવાના દુરુપયોગની સમસ્યાઓ જેવી બીમારીને કારણે થઈ શકે.

ઉપચાર : મનોચિકિત્સા થેરાપી અસરકારક છે
મનોવૈજ્ઞાનિક સલાહ, મનોચિકિત્સકના કહ્યા મુજબની દવાઓ દ્વારા ઉપચાર કરી શકાય છે. સતત સ્ટ્રેસથી રસની પ્રવૃત્તિઓ પણ નીરસ થતી હોય છે. > ડો. યોગેશ જોગસણ

અન્ય સમાચારો પણ છે...