તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી શિક્ષણનીતિ:કોલેજનું એક વર્ષ પૂરું કર્યા બાદ વિદ્યાર્થી 10 વર્ષ બાદ પણ બીજું વર્ષ ભણી શકશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવી શિક્ષણનીતિથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક-વહીવટી બદલાવ આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ માટે ‘એનીટાઈમ એન્ટ્રી, એનીટાઈમ એક્ઝિટ’ પોલિસી પણ લાગુ કરશે. જેમાં કોઈ વિદ્યાર્થી કોલેજનું એક વર્ષ ભણીને ડ્રોપ લઇ લે અને 10 વર્ષ પછી પણ તે કોલેજનું બીજું વર્ષ ભણી શકશે. રાષ્ટ્રીય શિક્ષણનીતિના કારણે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક માળખામાં પણ પરિવર્તન આવશે.

આ અંગે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આગામી જૂન-2022થી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે, ડિસેમ્બર સુધીમાં નવા કોર્સ તૈયાર થઇ જશે ત્યારબાદ એકેડેમિક કાઉન્સિલ, સિન્ડિકેટ અને સરકારમાં પણ મંજૂરી માટે મોકલાશે.

નવી નીતિમાં વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, પ્રેક્ટિકલ શિક્ષણ પર વધુ ધ્યાન અપાશે. આ ઉપરાંત વિદ્યાર્થી ગમે ત્યારે ગમે તે કોર્સ ભણી શકશે. એક વર્ષ ભણ્યા બાદ ડ્રોપ લે અને 10 વર્ષ પછી પણ બીજા વર્ષમાં પ્રવેશ લઈને ભણી શકશે. આ ઉપરાંત યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ, પરીક્ષા ફોર્મ, પરિણામ સહિતની તમામ બાબતોમાં બદલાવ આવશે.

પ્રથમ વર્ષે સર્ટિફિકેટ કોર્સ પ્રમાણપત્ર, બીજા વર્ષે ડિપ્લોમાનું સર્ટિ. મળશે
અત્યારે વિદ્યાર્થી કોલેજનું પ્રથમ વર્ષ ભણ્યા બાદ ડ્રોપ લે અને થોડા વર્ષો બાદ તેને બીજા વર્ષમાં એડમિશન મળતું ન હતું, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થી જેટલા વર્ષ ભણશે તેટલા વર્ષનું પ્રમાણપત્ર અપાશે. જેમાં પ્રથમ વર્ષ ભણીને નીકળી જાય તો તેણે સર્ટિફિકેટ કોર્સનું પ્રમાણપત્ર, બીજા વર્ષમાં ડિપ્લોમા કોર્સનું પ્રમાણપત્ર મળશે, ત્રીજા વર્ષે ડિગ્રી કોર્સનું, ચોથા વર્ષે પીજી ડિપ્લોમાનું સર્ટિફિકેટ અને પાંચમા વર્ષે માસ્ટર ડિગ્રીનું પ્રમાણપત્ર અપાશે.

તમામ ફોર્મ-ફી ઓનલાઈન ભરી શકાશે
યુનિવર્સિટીમાં હાલ કેટલાક પરીક્ષા કે ડિગ્રી સંબંધિત ફોર્મ કે ફી ભરવા વિદ્યાર્થીએ યુનિવર્સિટીએ ધક્કો ખાવો પડે છે અને પરીક્ષા વિભાગની બારીએ કલાકો લાઈનમાં ઊભવું પડે છે પરંતુ રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલી થયા બાદ યુનિવર્સિટીની વેબસાઈટ અપડેટ કરાશે, જેમાં તમામ કોર્સ સંબંધિત માહિતી ઓનલાઈન મળશે, તમામ ફોર્મ અને ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...