રાજકોટને નવા વર્ષની ભેટ:રાજકોટ સહિત 6 શહેરમાં ભૂકંપ પ્રતિરોધી 1-1 હજાર મકાન બનશે; ન ઇંટ, ન માટી; રમકડાંની જેમ બ્લોક જોડવામાં અાવશેઃ મોદી

રાજકોટ10 મહિનો પહેલા
લાઈટ હાઉસ પ્રોજેક્ટનું PMના હસ્તે ખાતમુહૂર્ત - Divya Bhaskar
લાઈટ હાઉસ પ્રોજેક્ટનું PMના હસ્તે ખાતમુહૂર્ત
  • દેશના 6 શહેરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી દ્વારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ તૈયાર કરાશે
  • ફ્રાન્સની ટેકનોલોજીથી લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસો બનાવવામાં આવશે

રાજકોટ સહિત દેશનાં છ રાજ્યનાં છ શહેરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ (લાઇટ હાઉસ) પ્રોજેક્ટનું ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અા મકાન વિશેષ પ્રકારના હશે. તેમાં ઇંટ, માટી નહીં વપરાય. રમકડાંની જેમ બ્લોક જોડી દેવાશે. વડાપ્રધાને બાંધકામ ક્ષેત્રમાં દેશમાં ટેક્નોલોજીના ઉપયોગની શુભ શરૂઆત હોવાનું કહ્યું હતું. સાથે વડાપ્રધાને કહ્યું કે આંખ બંધ કરીને નહીં પણ આપણી જરૂરિયાત મુજબ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. દેશના છ શહેરમાં વિશ્વની બેસ્ટ છ ટેકનોલોજીના ઉપયોગથી એક વર્ષમાં 6000 આવાસ બનશે. રાજકોટમાં ફ્રાંસ ટેકનોલોજીથી 1144 આવાસ બનાવવાનું આયોજન છે.

નવી ટેક્નોલોજીનું અધ્યયન કરવા આહવાન કર્યું
વડાપ્રધાને આ પ્રોજેક્ટને ઇન્કયુબેશન સેન્ટર તરીકે ઓળખાવતા કહ્યું હતું કે, પ્લાનર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર, સ્ટ્રક્ચર ડિઝાઈનર તેમજ આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થશે. આ માટે મોદીએ યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને વિવિધ સાઈટ પર જઈ નવી ટેક્નોલોજીનું અધ્યયન કરવા આહવાન કરી નવી ટેક્નોલોજીયુક્ત પ્રોજેક્ટસ સ્કિલ ડેવલોપમેન્ટ, હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ ક્ષેત્રે નવો પાથ તૈયાર કરવામાં મદદરૂપ બનશે તેમ પણ જણાવ્યું હતું. ઘરનું ઘર એ ગરીબ અને મધ્યમવર્ગના કુટુંબો સમાજિક અને આર્થિક વિકાસ માટે પ્રેરક બળ બની રહે છે. ઘરના ઘરનું સ્વપ્ન પહેલાના સમયમાં પરિપૂર્ણ કરવા માટે આર્થિક તકલીફ રહેતી, કાયદાકીય રક્ષણ નહોતું, આ માટે આવાસ નિર્માણ અને આવાસ ફાળવણીમાં પણ પારદર્શિતા આવે તે સુનિશ્ચિત કરાયું છે. એટલું જ નહીં પણ લાભાર્થીઓને મળવાપાત્ર સહાય પણ સીધી બેંક લીંકેજ દ્વારા ખાતામાં જમા કરાવવામાં આવે છે. વડાપ્રધાને કહ્યું હતું કે રાજકોટમાં ફ્રાંસની મોનોલિથિક કોન્ક્રિટ ટેક્નોલોજી, ચેન્નઇમાં અમેરિકા અને ફીનલેન્ડમાં ઉપયોગ થતી પ્રી-કાસ્ટ ટેક્નોલોજી, રાંચીમાં જર્મનમાં ઉપયોગ થતી ફ્રીડી ટેકનોલોજી, ઇન્દોરમાં પ્રી ફેબ્રેકેટેડ સેન્ટવીચ પેનલ, અગરતલામાં ન્યુઝિલેન્ડની સ્ટીલ સ્ટ્રકચર ટેકનોલોજી અને લખનઉમાં કેનેડાની ટેકનોલોજીથી ઘર બનશે.

કાર્યક્રમમાં CM રૂપાણીનું સંબોધન
કાર્યક્રમમાં CM રૂપાણીનું સંબોધન

મોદીએ આ દરમિયાન એક કવિતા પણ વાંચી હતી
અભી તો સુરજ ઉગા હૈ,
અાસમાન મેં સિર ઉઠાકર
ઘનેં બાદલોં કો ચીરકર
રોશની કા સંકલ્પ લેં
અભી તો સુરજ ઉગા હૈ,
દૃઢ નિશ્ચય કે સાથ ચલકર
હર મુશ્કિલ કો પાર કર
ઘોર અંધેરે કો મિટાને
અભી તો સુરજ ઉગા હૈ,
વિશ્વાસ કી લૌ જલાકર
વિકાસ કા દીપક લેકર
સપનોં કો સાકાર કરને
અભી તો સુરજ ઉગા હૈ,
ન અપના ન પરાયા
ન મેરા ન તેરા
સબકા તેજ બનકર
અભી તો સુરજ ઉગા હૈ,
અાગ કો સમેટતે
પ્રકાશ કા બિખેરતા
ચલતા ઔર ચલાતા
અભી તો સુરજ ઉગા હૈ...

ભારતમાં પ્રથમ ગુજરાતમાં 1055 ગામોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત કરી છે- રૂપાણી
કાર્યક્રમના સંબોધનમાં CM રૂપાણીએ કહ્યું કે, વર્ષ 2020માં ઘણું શીખવા મળ્યું છે. કોરોનાના આ કપરા કાળમાં વર્ષ 2020ના લગભગ 10 મહિના આપણે સારામાં સારી સારવાર મળી રહે તે માટે તંત્ર પ્રજાના સહયોગથી પાર પાળીયું છે. તમામ પડકાર ઝીલી આપણે હેમખેમ બહાર નિકળા છીએ. ત્યારે વર્ષ 2021ની સુપ્રભાતે આપણે નવા ઉત્સાહ અને નવી આશાઓ સાથે ભેગા થયા છીએ.

2 મહિનામાં ગુજરાતનું નામ વિશ્વ લેવલે રોશન થાય તેવા કામો કર્યા
અનેક વિકાસના લોકાર્પણ અને શિલાન્યાસ આપણે કર્યા છે. છેલ્લા 2 મહિનામાં ગુજરાતનું નામ વિશ્વ લેવલે રોશન થાય તેવા કામો કર્યા છે. નવું વર્ષ એ વિકાસની હરણફાળ લઇને આવ્યું છે. ભારતનો સૌથી મોટો રોપ-વેનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થયું. દિવસે વીજળી ખેડૂતોને મળે એ માટે ભારતમાં પ્રથમ એક માત્ર ગુજરાત રાજ્યમાં 1055 ગામોમાં વીજળી આપવાની શરૂઆત કરી છે.

પ્રોજેક્ટની ડિઝાઈન
પ્રોજેક્ટની ડિઝાઈન

22 મહિનામાં એઈમ્સ શરૂ થઈ જશે- રૂપાણી
વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે 22 માસમાં એઇમ્સ શરૂ થઇ જશે. દરેક વિભાગમાં અલગ અલગ યોજના મારફત સર્વના કલ્યાણ માટે સરકાર આગળ વધી રહી છે. 17,000 કરોડથી વધુ કિંમતની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે. હવે સ્માર્ટ સીટી બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરી વિકાસ માટે ખૂબ જ અગત્યતા સમજી આ સરકાર કામ કરી રહી છે. વધુમાં જણાવ્યું કે કડકમાં કડક કાયદા બનાવવા સરકાર કામ કરી રહી છે. દારૂબંધી માટે કડક કાર્યવાહી ગુજરાત સરકાર કરે છે. કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં છે ત્યાં કેમ દારુબંધી નથી થતી?

પ્રોજેક્ટની ડિઝાઈન
પ્રોજેક્ટની ડિઝાઈન