મારા નસીબમાં સુખ જ નથી, મારા પિતા હયાત નથી, માતા ખૂબ મારકૂટ કરતી, એનાથી ત્રાસી ગઇ હતી. એ સમયે મારો પરિચય વિશાલ સાથે થયો, બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને વર્ષ 2015માં અમે ભાગીને લગ્ન કર્યા. એ વખતે તે ટ્રાવેલ્સનું કામ કરતો, પરંતુ ધંધો બરોબર નહીં ચાલતા એક દિવસ તેણે મને લોહીનો વેપાર કરવા કહ્યું, હું સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ, પરંતુ તે તેની વાત પર અડગ હતો. શરૂઆતમાં તે દલાલ મારફત ગ્રાહક શોધી મને ઘરઘરાઉ મોકલતો અને ત્યાર બાદ તો અમરેલી, સાવરકુંડલા, બોટાદ અને ભાવનગર લઇ જતો. ત્યાં અગાઉથી ગ્રાહક નક્કી કરેલા હોય, આખો દિવસ ગ્રાહકો મને નોચતા, જે પૈસા આવતા તે પતિ લઇ લેતો હતો. આવું ચારેક વર્ષ ચાલ્યું, ત્યાર બાદ મને રાજકોટમાં સ્પામાં મોકલવાનું શરૂ થયું.
રાજકોટના મહત્તમ સ્પામાં હું કામ કરી ચૂકી છું, ત્યાં ગ્રાહકો આવતા, તેની સાથે શરીરસંબંધ બાંધતી, ભાવ હું જ નક્કી કરતી, 50 ટકા રકમ મને મળતી અને 50 ટકા રકમ સ્પા-સંચાલક લઇ લેતા, મારે સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર છે, પતિ મને સ્પામાં તેડી-મૂકી જતો, હું સ્પામાં હોઉં ત્યાં સુધી પુત્રને પતિ રાખતો હતો, જેના પ્રેમમાં પાગલ થઇને સારી જિંદગી જીવવાના સ્વપ્ન જોઇ મેં ઘર છોડ્યું, તે વ્યક્તિ મારો દેહ વેચીને ઐયાશી કરતો હતો, તેના નમાલાપણાથી હું કંટાળી ગઇ હતી, હું તેનાથી છૂટવા માગતી હતી, મને એમ થતું કે મને કોઇ મર્દ પતિ મળે, જે મારી કાળજી રાખે, બે-ત્રણ યુવકમાં મને એ મર્દાનગી દેખાઇ, મેં તેની સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું, જેની જાણ થતાં મારો પતિ મને વધુ ત્રાસ આપવા લાગ્યો, તે મને ઘરની બહાર એકલી જવા નહોતો દેતો, મારા પર સતત વોચ રાખતો, સ્પામાં પારકી વ્યક્તિ પાસે સુવડાવવામાં તેને વાંધો નહોતો, પરંતુ મને કોઇ વ્યક્તિ સ્વીકારશે અને તેની સાથે હું જતી રહીશ તો તેની આવક બંધ થઇ જશે એવા વિચારથી તે મને સ્પા સિવાય એકલી મૂકતો નહીં.
છેલ્લા એક વર્ષથી વિદ્યાનગર વિસ્તારમાં આવેલા એવરેસ્ટ વેલનેસ સ્પામાં કામ કરતી. સ્પા-સંચાલક કિશન ઠાકોર મારી સ્થિતિથી વાકેફ હતો, તેણે મને લાલચ આપી કે ‘હું તારા પતિથી છૂટાછેડા અપાવી દઇશ, પરંતુ એ માટે તારે મને દરરોજના રૂપિયા 6 હજારથી 8 હજાર આપવા પડશે’, ગ્રાહકો પાસેથી જે પૈસા આવતા એ કિશન પડાવી લેતો, કિશન એમડી ડ્રગ્સનો વ્યસની હતો. મૌલિક નામનો શખસ તેને ડ્રગ્સ દેવા આવતો, કિશન મને તેની પાસે નાણાં લીધા વગર સંબંધ બાંધવા મજબૂર કરતો, તે કહેતો કે એ તને ડ્રગ્સ આપશે, ચાર વખત કિશને મને ડ્રગ્સનું સેવન કરાવડાવ્યું હતું.
અત્યારસુધીમાં કિશને મારી પાસેથી રૂ.90 હજાર પડાવી લીધા છે, પતિ સાથે છૂટાછેડા થયા નથી, મારો દેહ વેચીને મારો પતિ અત્યારસુધી ઐયાશી કરતો, હવે સ્પા-સંચાલક મારા પૈસે તાગડધીન્ના કરે છે, મેં પોલીસમાં તેની વિરુદ્ધ અરજી કરી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. હું છેલ્લા પંદર દિવસથી મારી સહેલીના ઘરે રહું છું, હું આ ઝંઝટમાંથી છૂટવા માગું છું, હું ન્યાય ઇચ્છુ છું. (સ્મિતા-નામ બદલાવેલું છે, મહેન્દ્રસિંહ જાડેજા સાથેની વાતચીતના આધારે)
આવક બંધ થાય એટલે પતિ છૂટાછેડા નથી આપતો
યુવતીએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું હતું કે પતિથી કંટાળી ગઈ છે. તેનાથી છૂટાછેડા મેળવવા મથી રહી છે, પરંતુ પતિ છૂટાછેડા આપવા તૈયાર થતો નથી. તે જાણે છે કે તેની ઐયાશી માટેના પૈસા મારા મારફત પૂરા પડે છે, છૂટાછેડા થઈ જાય તો આવક બંધ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.