વેક્સિનેશન:રાજકોટમાં 98% વેક્સિનેશન થઈ ગયા બાદ ટાર્ગેટમાં એક લાખનો વધારો કરાતા હવે 88% થયું, રાજ્યમાં બીજા ક્રમે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રસીનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 9.63 લાખને પાર થઈ, પહેલા 9.93 લાખનો હતો લક્ષ્યાંક
  • મે મહિનામાં થયેલા વિક્રમજનક વેક્સિનેશનની અસર હવે શરૂ થઈ, સોમવારે 11000 ડોઝમાંથી 70 ટકા જથ્થો બીજા ડોઝમાં વપરાયો

રાજકોટ શહેરમાં વેક્સિનેશનમાં વસતી દૃષ્ટિએ 98 ટકા કરતા વધુ લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે જોકે 99 ટકાએ પહોંચે તે પહેલા જ આરોગ્ય વિભાગે રાજકોટનો ટાર્ગેટ એક લાખ વધારી દેતા વેક્સિનેશન 88 ટકાએ પહોંચ્યું છે. આમ છતાં રાજ્યભરમાં રાજકોટ શહેર 18 પ્લસની વસ્તીની સાપેક્ષમાં પહેલો ડોઝ આપવા મામલે બીજા ક્રમે છે.

રાજકોટ શહેરમાં 18 કરતા વધુ વર્ષના લોકો માટે વેક્સિનેશન શરૂ થયું ત્યારે બે ભાગ એટલે કે 18થી 44 અને 45થી વધુ સહિત કુલ 9.93 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ અપાયો હતો. જેમાં થોડા સમય સુધી લોકોમાં નિરાશા રહ્યા બાદ જાગૃતિ આવતા રસીકરણ સતત વધ્યું હતું. સોમવાર સાંજ સુધીમાં 9.63 લાખ લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો હતો જેમાંથી 3.62 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. આ સાથે રાજકોટ શહેરમાં ટાર્ગેટ મુજબ માત્ર 33000 જ વેક્સિનેશનમાં બાકી હતા અને 98 ટકાને પહેલો ડોઝ અપાયો હતો. જોકે 99 ટકાએ પહોંચે તે પહેલા જ રાજ્યના આરોગ્ય વિભાગે રાજકોટ શહેરનો ટાર્ગેટ રિવાઈઝ કર્યો હતો અને હવે 10.93 લાખનો લક્ષ્યાંક આપતા નવી ગણતરી મુજબ 88 ટકાને પ્રથમ ડોઝ અપાયો છે આમ છતાં રાજકોટ શહેર રસીકરણમાં રાજ્યમાં બીજા ક્રમે પહોંચી ગયું છે કારણ કે ઘણા જિલ્લા અને શહેરોના ટાર્ગેટ રિવાઈઝ કરાયા છે.

શહેરમાં વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઘણા લોકો નિરાશ હતા પણ આ સંખ્યા હવે વધી રહી છે કારણ કે, મે મહિનાના અંતમાં રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી વધુ રસીકરણ થયું હતું અને માત્ર એક જ સપ્તાહમાં 1 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તમામને રસી લીધાના 84 દિવસ થતા ફરીથી બીજા ડોઝમાં સંખ્યા વધશે જેની અસર સોમવારથી જ જોવા મળી હતી. સોમવારે 11000 ડોઝ અપાયા હતા જેમાંથી 70 ટકા જથ્થો બીજા ડોઝ લેનારાઓને અપાયો હતો જ્યારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 30 ટકા હતી.

100 દિવસ વિત્યા છતાં ઘણા લોકોએ બીજો ડોઝ નથી લીધો
રાજકોટમાં એવા ઘણા લોકો છે જેમણે છેક એપ્રિલ માસમાં રસીનો ડોઝ લીધો હતો અને 100 દિવસ વિત્યા બાદ પણ બીજો ડોઝ લીધો નથી. આ અંગે આરોગ્ય શાખાના અધિકારીઓ જણાવે છે કે, કોઇપણ રસીના બે ડોઝ વચ્ચે લાંબુ અંતર હોય ત્યારે વધુ સારી અસર હોય છે. બાળકોના વેક્સિનેશનમાં આવું જ હોય છે. નિયમ મુજબ ઓછામાં ઓછા 84 દિવસ બાદ જ બીજો ડોઝ આપવાનો છે તેમજ વધુમાં વધુ કેટલા દિવસ ચાલે તેવો કોઇ નિર્દેશ નથી તેથી 100 દિવસ કરતા વધુ સમય વિત્યા બાદ પણ બીજો ડોઝ લઈ શકાય છે. આ ઉપરાંત જો પહેલો ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ હોય તો તેના 3 મહિના પછી બીજો ડોઝ લેવાનો રહે છે.

અન્ય સમાચારો પણ છે...