મગફળીની ખરીદી:5 દી’ બાદ રાજકોટ યાર્ડમાં 1 લાખ મણથી વધુ મગફળીની આવક થઈ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ કલાકમાં 20 હજાર મણ મગફળીની ખરીદી થઇ
  • સાઉથના વેપારી- ખેડૂતોએ રાજકોટથી હજુ ખરીદી શરૂ નથી કરી, ડિમાન્ડ છે પણ મજૂરોના અભાવે ખરીદી ઓછી થાય છે

5 દિવસ બાદ રાજકોટ યાર્ડમાં શનિવારે 1 લાખ મણથી વધુ મગફળીની આવક થઈ હતી. જેની સામે 3 કલાકમાં 20 હજાર મણ મગફળીનો નિકાલ થયો હતો. સામાન્ય રીતે દર વર્ષે સાઉથના વેપારી- ખેડૂતો રાજકોટમાં ખરીદી માટે આવતા હોય છે, પરંતુ હજુ સુધી આ વખતે તેઓની ખરીદી શરૂ થઈ નથી. જોકે મગફળીની ડિમાન્ડ વધારે છે પરંતુ હાલમાં મજૂરોના અભાવને કારણે અને તોલાઈની પ્રક્રિયામાં રાત પડી જતી હોવાથી વધુ ખરીદી થઈ શકતી નથી.

આ અંગે વધુ માહિતી આપતા યાર્ડના ઈન્સ્પેક્ટર કેતનભાઈ ઝાલાવડિયા જણાવે છે કે, સપ્તાહમાં બે જ વખત મગફળીની આવક સ્વીકારવામાં આવી છે. અત્યારે જે ખરીદી છે તે સ્થાનિક વેપારી અને ઓઈલમિલરોની છે. દરેક વર્ષ કરતા આ વર્ષે જી-20 નંબરની મગફળીની આવક ઓછી છે. લાભપાંચમ પહેલા જે મગફળીની આવક થઈ એ થોડી- ઘણી ભેજવાળી જોવા મળતી હતી પરંતુ અત્યારે જે મગફળી આવે છે તેમાં કોઈ ભેજ જોવા મળતો નથી.

જોકે ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં મગફળી વેચવા આવતા ખેડૂતોની સંખ્યા વધારે છે. શનિવારે સવારના 8.30 થી સવારના 11.30 સુધી જ મગફળીની હરાજી શરૂ રહી હતી. કપાસમાં અત્યારે આવક ઘટી ગઈ છે. કારણ કે, હાલમાં કેટલાક ખેડૂતો વાવેતર કામગીરીમાં જોડાઈ ગયા છે એ સિવાય અન્ય ખેડૂતો મગફળી લઈને આવતા હોવાથી કપાસમાં આવક 50 ટકા જ છે. લાભપાંચમ પહેલા યાર્ડમાં 50 હજાર મણ કપાસની આવક થતી હતી. અત્યારે માત્ર 25 હજાર મણ જ કપાસની આવક થાય છે. સિઝનમાં કપાસનો ભાવ હાઈએસ્ટ રેકોર્ડબ્રેક રૂ.1700 ની સપાટી કરતા ઊંચો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...