• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After 23 Years In The City Storms, Winds Blowing At A Speed Of 65 Km At Night, 2 Inches Of Rain, 38 Trees Collapsed, 4 Places On Fire

દૂરથી ડરાવ્યા:23 વર્ષ બાદ શહેરમાં વાવાઝોડું, રાત્રે 65 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 2 ઈંચ વરસાદ, 38 વૃક્ષ ધરાશાયી, 4 સ્થળે આગ લાગી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડાને પગલે શહેરમાં વરસાદ પડતાં પાણી ભરાયા હતા - Divya Bhaskar
વાવાઝોડાને પગલે શહેરમાં વરસાદ પડતાં પાણી ભરાયા હતા
  • તાઉતે વાવાઝોડું રાજકોટની દક્ષિણ દિશામાંથી પસાર થઈ જતા શહેર મોટી ખુવારીમાંથી બચ્યું
  • આખી રાત અજંપાભરી રહી મંગળવારની વહેલી સવારે એકસાથે ફરિયાદોનો ધોધ આવ્યો, તંત્ર બપોર સુધી મથતું રહ્યું
  • વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • બે દિવસ સુધી હજુ વાદળો રહેશે અને ક્રમશ, તાપમાનમાં વધારો આવશે
  • હાશકારો, શહેરમાં 2500થી વધુ લોકોનું અગાઉથી સ્થળાંતર કરી દેવાતા રેસ્ક્યૂ કરવાની નોબત આવી ન હતી

રાજકોટ શહેરમાં તાઉતે વાવાઝોડાની અસરને પગલે આખી રાત અજંપાભરી રહી હતી. પવન ક્યારેક એકદમ શાંત રહેતો હતો તો વળી અચાનક જ 60 કરતા વધુની ગતિએ ધસમસ્યા હતા જેને કારણે વૃક્ષો અને ઝૂંપડાઓને વધુ નુકસાન થયું હતું. સવારે 11 વાગ્યા બાદ સ્થિતિમાં સુધારો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. હજુ બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને બાદમાં ક્રમશ:તાપમાનમાં વધારો આવશે તેવું હવામાનના નિષ્ણાત જણાવી રહ્યા છે.

અનેક જગ્યાએ પતરા પડયા
અનેક જગ્યાએ પતરા પડયા

વાવાઝોડાની અસર રાત્રીના 12 વાગ્યા પછી શરૂ થઈ હતી અને પવનની ગતિ 22 કિ.મી. પ્રતિ કલાક થઈ ગઈ હતી. રાત્રીના 2 વાગ્યા બાદ આ ગતિ 54 કિ.મી. સુધી પહોંચી ગઈ હતી અને 3 વાગ્યા સુધી આવી જ સ્થિતિ રહી હતી. આ દરમિયાન અનેક સ્થળોએ અંધારપટ છવાયા હતા જોકે ક્યાંથી નુકસાની મામલે ફરિયાદ આવી ન હતી. રાત્રીના 3.30 વાગ્યા બાદ પવનની ગતિ વધતા લાગી અને તે પણ ગસ્ટિંગ વિન્ડ હતા એટલે કે થોડી વાર માટે પવન ઘટી જાય પછી અચાનક જ ગતિ વધી જતી હતી.

રાત્રે 3.30થી સવારના 6 વાગ્યા સુધી આ ગસ્ટિંગ વિન્ડની ઝડપ 65 કિ.મી. પ્રતિ કલાક થઈ જતા નુકસાનીની શરૂઆત થઈ હતી. ચાર સ્થળોએ આગ લાગી હતી જેમાં સૌથી પહેલા રાજકોટ રેલવે સ્ટેશનમાં રેલવે ટ્રેક પાસેના બે હાઈ ટેન્શન ચાર્જિંગ વાયર ભારે પવનથી અથડાતા આગ લાગી ગઈ હતી. જ્યારે માલવિયા ચોકમાં એક શૂઝના શો-રૂમમાં તેમજ બેડીપરા અને રેસકોર્સ પાસે કારમાં આગ લાગી હતી. રાજકોટમાં મોટા 38 વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા જ્યારે 80થી વધુ વૃક્ષો નમી જતા ભયજનક સ્થિતિને કારણે ડાળીઓ કાપી હતી.

રેસકોર્સમાં પાળીની પાસેના વૃક્ષો તૂટતાં ગ્રીલમાં ભારે નુકસાન થયું હતું. સમયસૂચકતા વાપરીને શહેરમાંથી જોખમી વિસ્તારોમાં રહેતા 2500થી વધુનું અગાઉથી સ્થળાંતર કરી દેવાતા રેસ્ક્યૂ કરવાની નોબત આવી ન હતી. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતનો મનપાનો સ્ટાફ આખી રાત સતત ફિલ્ડ પર રહ્યો હતો અને ફાયરબ્રિગેડ અને ગાર્ડન શાખાએ દોડધામ કરી હતી.

આજી-2 ડેમ ઓવરફ્લો, દરવાજો એક ફૂટ ખોલાયો
સમગ્ર રાજકોટ શહેરનું ડ્રેનેજનું પાણી આજી-2માં ઠાલવવામાં આવે છે. ત્યારે તાઉતે વાવાઝોડાના પગલે વરસાદ વરસતા આજી-2 ડેમ ઓવરફ્લો થયો હતો. સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજી-2 ડેમ કોઈ દિવસ ખાલી થતો નથી. ત્યારે વરસાદની આવક થતાં ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવો પડ્યો હતો.

સદભાવના ટ્રસ્ટે વાવેલા 30 હજાર વૃક્ષને નુકસાન
રાજકોટના સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રભરમાં 5 લાખ જેટલા વૃક્ષો વાવવા ઉપરાંત ઉછેરવામાં આવી રહ્યા છે, જેમાંથી રાજકોટ શહેરમાં 5 હજાર જેટલા વૃક્ષોને નુકસાન થયું છે, ટ્રસ્ટે સૌરાષ્ટ્રમાં કરેલા વૃક્ષારોપણ પૈકીના 30 હજાર વૃક્ષોમાં નુકસાની થઈ છે. જેને ફરીથી યોગ્ય કરવામાં આવશે.

વાવાઝોડને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
શહેરમાં કાલાવડ રોડ, અમીન માર્ગ, ટાગોર રોડ, 80 ફૂટ રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, અટિકા પાર્ક, ભગવતીપરા, મોરબી રોડ, વાંકાનેર સોસાયટી, બજરંગવાડી, રોયલ પાર્ક, જગન્નાથ પાર્ક-1, કોટેચાનગર-6, નેહરુનગર, હસનસાપીરની દરગાહ પાસે, રેસકોર્સ રિંગ રોડ, સંતકબીર રોડ સહિતના અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.

હાઇવે પર પોલીસ કમિશનર અગ્રવાલનું જાત નિરીક્ષણ
વાવાઝોડાની અસર શહેરમાં પણ થવાની હોવાથી મંગળવાર સવારથી પોલીસ કમિશનર અગ્રવાલ અને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ શહેરમાં ફરી સ્થિતિ જાણી હતી. હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાય નહીં તે માટે કમિશનર અગ્રવાલ બેડી, માલિયાસણ અને બામણબોર પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં 18 કલાક વીજળી ગુલ, 474 ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં સોમવારે મોડી રાત્રે ભારે પવન અને વરસાદ સાથે આવેલા વાવાઝોડાને પગલે મોડી રાતથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. શહેરના મવડી, રેલનગર સહિતના અનેક વિસ્તારોમાં 18-18 કલાક સુધી વીજળી ગુલ રહેતા પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં ફરિયાદોનો ધોધ વહ્યો હતો અને આખા દિવસ દરમિયાન 474 ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી મંગળવારે માત્ર 92 ફરિયાદનો જ નિકાલ થઇ શક્યો હતો જ્યારે 382 ફરિયાદ હજુ પેન્ડિંગ રહી છે. શહેરમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થવા, ટ્રાન્સફોર્મરમાં શોર્ટ-સર્કિટ થવાના નાના-મોટા બનાવ પણ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...