મંજૂરી:10 વર્ષ બાદ યુનિવર્સિટીને 2022માં કાયમી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક મળશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારના નવા પરિપત્ર મુજબ ભરતી નહીં થાય તો પરીક્ષા નિયામક સોની અને રજિસ્ટ્રાર તરીકે પરમાર લગભગ નિશ્ચિત
  • 55 કાયમી અને કરાર આધારિત પ્રોફેસરની ભરતી થઈ શકે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓની ગુરુવારે ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં કરાયેલી ચર્ચા મુજબ 10 વર્ષ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા વર્ષમાં એટલે કે 2022માં કાયમી રજિસ્ટ્રાર, કાયમી પરીક્ષા નિયામક અને કાયમી પ્રોફેસર્સ સહિત કુલ 55 જગ્યા ભરવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં જ વિવાદ બાદ રદ કરાયેલી કરાર આધારિત પ્રોફેસર્સની પણ ભરતી પ્રક્રિયા નવેસરથી કરવા મંજૂરી માગી છે.

સાથે સાથે આગામી ડિસેમ્બરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારા પદવીદાન સમારોહ માટે રાજ્યપાલની અનુમતિ અને કોન્વોકેશન માટેના ખર્ચની મંજૂરી પણ સરકારમાં મગાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુરુવારે ગાંધીનગરમાં સરકારના અધિકારીઓ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વચ્ચે બેઠક મળી હતી જેમાં મુખ્ય ચાર-પાંચ મુદ્દા પર સરકારનું માર્ગદર્શન અને મંજૂરી મગાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ કાયમી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક માટે જાહેરાત અપાઈ હતી ત્યારે 55 જેટલી અરજીઓ બંને પદ માટે આવી હતી.

જેની સ્ક્રૂટિની પણ કરી દેવામાં આવી હતી. હવે જો સરકાર જૂની અરજીઓના આધારે કાયમી રજિસ્ટ્રાર નિયુક્ત કરવાની મંજૂરી આપે તો ડે. રજિસ્ટ્રાર જી.કે જોષી, યુજીસી સેક્શનના અધિકારી એમ.વી.ધામેચા, પૂર્વ એકાઉન્ટ ઓફિસર અને હાલમાં જીટીયુના રજિસ્ટ્રાર કે.એન.ખેર, ડે. રજિસ્ટ્રાર આર.જી. પરમારમાંથી કોઈ એક કાયમી રજિસ્ટ્રાર બની શકે છે. સરકાર નવેસરથી ભરતી પ્રક્રિયા કરવાનો આદેશ આપશે તો યુનિવર્સિટી ફરી જાહેરાત આપશે.

ગાંધીનગરમાં 5 મુદ્દા પર ચર્ચા-વિચારણા થઇ
1) યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રાર- પરીક્ષા નિયામક નિયુક્ત કરવા.
2) યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરની ભરતી કરવી.
3) કરાર આધારિત 88 પ્રોફેસરની નવેસરથી ભરતી પ્રક્રિયા કરવી.
4) પદવીદાન સમારોહ માટે રાજ્યપાલની અનુમતિ, ખર્ચની મંજૂરી.
5) સેનેટની ચૂંટણીમાં મતદાર નોંધણી ઓનલાઈન/ઓફલાઈન કરવી.

અન્ય સમાચારો પણ છે...