હાથીખાનામાં રહેતા વકીલ નિશાંત જોષીના ઘરમાં ઘૂસી તેના જ સગા મોટાબાપુ અને તેના પુત્રે વકીલ જોષીના માતા, બહેન અને પત્નીને માર મારતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાથીખાના શેરી નં.1માં રહેતા પારૂલબેન મહેશભાઇ જોષી (ઉ.વ.58), તેની પુત્રી વિધિ જોષી (ઉ.વ.29) અને પુત્રવધૂ દિપાલી નિશાંતભાઇ જોષી (ઉ.વ.29)ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, ત્રણેયને એડવોકેટ અને બાર એસોસિએશનની કારોબારીના પૂર્વ સભ્ય નિશાંત જોષી હોસ્પિટલે લઇ ગયા હતા.
નિશાંત જોષીએ કહ્યું હતું કે, પોતે હાથીખાનામાં આવેલા વારસાઇ સંયુક્ત માલિકીના મકાનમાં રહે છે, તેના મોટાબાપુ એડવોકેટ હરકાંત જોષી અને એડવોકેટ પુત્ર મિહિર જોષી મોટામવામાં રહે છે, પરંતુ બંનેની ઓફિસ હાથીખાનામાં આવેલા તેમના મકાનમાં જ છે.
હરકાંત જોષી સંયુક્ત માલિકીનું મકાન વેચી દેવા કેટલાક મહિનાઓથી માથાકૂટ કરતા હતા અને ઝડપથી મકાન વેચી તેમનો હિસ્સો આપવા તકરાર કરતા હતા, શુક્રવારે રાત્રે બંને ઘરમાં ઘૂસી ગયા હતા અને મકાન વેચવાના મુદ્દે પરિવારના ત્રણેય મહિલા સભ્યોને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વાળ ખેંચી ઢસડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.