મનપાની મોટપ:સ્વચ્છતા માટેની સલાહ વર્ષે રૂ. 35.31 લાખમાં પડશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કેન્દ્ર સરકારની કંપનીએ કન્સલ્ટન્ટને મોકલીને બનાવ્યું મોટુ઼ં બિલ
  • ચૂંટણી બાદ જૂની દરખાસ્તો ખંખેરવા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

મનપાને સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ગુણ આવે તે માટેના પ્રયાસો માટે કેન્દ્ર સરકારની કંપની નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીઝ ઈન્કોર્પોરેટેડને કન્સલ્ટન્સી આપી હતી. જેના કરારમાં એક વ્યક્તિને 12 માસ માટે રાજકોટ મોકલી સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુમેન્ટેશન, જનજાગૃતિની રીત અને એર ક્વોલિટી સહિતના મામલે માર્ગદર્શન માટે મોકલ્યા છે. જેનો એક મહિનાનો ચાર્જ 294250 રૂપિયા થયો છે અને એક વર્ષનો ખર્ચ 35.31 લાખ થશે અને તમામ ખર્ચ એડવાન્સમાં મોકલવાનો છે. આ ખર્ચ માટે સ્ટેન્ડિંગ કમિટી સક્ષમ મંજૂરી સબબ દરખાસ્ત આવી છે જેના પર બુધવારે બેઠકમાં નિર્ણય લેવાશે.

બેઠકમાં આ ખર્ચ ઉપરાંત આધાર કિટની ખરીદીનો નિર્ણય લેવાશે. શહેરમાં અલગ અલગ સ્થળોએ આધારકાર્ડની કામગીરી થાય છે પણ લોકો મનપા કચેરીએ જ આવતા હોવાથી વધુ 14 આધાર કિટની ખરીદી કરીને તેને ત્રણેય ઝોન કચેરીએ મૂકવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પહેલા સરકારની યોજનાઓની વાહવાહી કરવા માટે ફેરવેલા વંદે ગુજરાત વિકાસયાત્રા રથ સહિતના ખર્ચ મંજૂર કરાશે.

મોટો પ્રશ્ન : ઈજનેરો નકામા કે તેના પર તંત્રને વિશ્વાસ નથી
મનપા સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા રેન્ક મેળવવા માટે એક વ્યક્તિની ભાડાની બુદ્ધિ માટે મસમોટો ખર્ચ કરી રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે મનપા પાસે ઇજનેરોની જે ફોજ છે અને પગાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તેમાંથી કોઇ પાસેથી સ્વચ્છતા માટે સલાહ શા માટે લેવામાં આવતી નથી. પોતાના જ ઈજનેરો પર મનપાને ભરોસો નથી કે પછી આખી ફોજ આ સ્તરના કામ માટે ગેરલાયક ગણી લેવાઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...