કુલપતિની નિમણૂક માટેની જાહેરાત પ્રસિદ્ધ:યુનિવર્સિટીના VC માટેની જાહેરાત પ્રસિદ્ધ ચૌહાણ, દેશાણી, ઓઝા, ભીમાણી દાવેદાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કુલપતિ બનવા માગતાં ઉમેદવારો 17 જાન્યુઆરી સુધી દાવેદારી નોંધાવી શકશે

સર્ચ કમિટીના સભ્યોની નિયુક્તિ થયા બાદ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ માટેની જાહેરાત પ્રસિદ્ધ નહીં થઇ હોવાની વાત સામે આવી હતી અને જો નિયત સમયમાં જાહેરાત પ્રસિદ્ધ ન થાય તો કુલપતિ પસંદગીમાં પણ વિલંબ થવાની ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ આખરે યુનિવર્સિટીએ કુલપતિની નિમણૂક માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી દીધી છે અને કુલપતિ બનવા માગતાં ઉમેદવારો પાસેથી 17 જાન્યુઆરી સુધીમાં અરજીઓ મગાવવામાં આવી છે, પરંતુ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે સૌથી વધુ સ્થાનિક હોદ્દેદારો જ મેદાનમાં હોવાની સ્થિતિ સર્જાઈ છે.

કુલપતિ બનવા માટે જે પાંચ નામો સૌથી વધુ ચર્ચામાં છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના માધ્યમથી દાવેદાર છે, યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી વિજયભાઈ રૂપાણીના જૂથ તરફથી રેસમાં છે, સંઘમાંથી ડૉ. કમલ ડોડિયા અને સંજીવ ઓઝાના નામ મોખરે છે, આ ઉપરાંત યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન અને આઈક્યુએસીના કો-ઓર્ડિનેટર ડૉ. ગિરીશ ભીમાણીનું નામ શહેર ભાજપ દ્વારા સૂચવાયું હોવાનું જાણવા મળ્યું છે.

જાહેરાતમાં ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ અથવા 10 વર્ષનો એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઈઝેશનનો અનુભવ મગાયો છે. દાવેદારોમાંથી કુલપતિ તરીકે જે ઉમેદવાર સૌથી શ્રેષ્ઠ અને લાયક હશે તેનું નામ પસંદ કરી સર્ચ કમિટી રાજ્યપાલને મોકલશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન કુલપતિ ડૉ. નીતિન પેથાણીનો કાર્યકાળ આગામી 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.

ડૉ. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ બનવા જોષી, મયાણી અને રાણા મોખરે
ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પણ પૂર્ણ થઇ રહી હોય નવા કુલપતિ માટે તેની પણ જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. જોકે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાય પણ રિપીટ કરવામાં આવે તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના HRDCના ડાયરેક્ટર ડૉ. જગદીશ જોષી સૌથી પ્રબળ દેવાદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે જૂનાગઢની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ જે.પી મયાણીની પુત્રી પ્રીતિબેન મયાણી પણ રેસમાં છે. આંબેડકર યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફેકલ્ટીના ડાયરેક્ટર ડૉ.અજિતસિંહ રાણા પણ કુલપતિ માટે દાવેદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...